ગાંધીનગરમાં 449 નવા PSIને મળ્યા નિમણૂક પત્રો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સેવાની શીખ



AI Generated Images
ગાંધીનગરમાં 449 નવા PSIને મળ્યા નિમણૂક પત્રો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સેવાની શીખ



AI Generated Images
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસ દળને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે વધુ 449 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)ને નિમણૂક આપી છે. ગાંધીનગરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવનિયુક્ત અધિકારીઓને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં પોલીસ દળની શાંતિ અને સલામતી જાળવવાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. તેમણે તમામ નવનિયુક્ત PSIને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કાર્ય કરીને "નાગરિક દેવો ભવ" અને "વસુધૈવ કુટુંબકમ"ના મંત્રને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પોલીસની હાજરી માત્રથી સામાન્ય નાગરિકમાં વિશ્વાસ ઉભો થાય છે અને ન્યાયની આશા જન્મે છે. નિષ્ઠાપૂર્વક કામ કરનાર અધિકારીઓની સાથે રાજ્ય સરકાર હંમેશા ઉભી રહેશે તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

2033 સુધી 50 હજાર નવી ભરતી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના સુદ્રઢીકરણ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં સીધી ભરતી દ્વારા 50 હજાર નવી જગ્યાઓ ભરવામાં આવશે. તેમણે માહિતી આપી કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 54,509 પોલીસ કર્મચારીઓની ભરતી પૂર્ણ થઈ છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં 15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હાલમાં પણ 13,500થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું તેમણે જણાવ્યું.

ઉમેદવારો માટે મોટી રાહત
પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાની શારીરિક તૈયારી માટે ઉમેદવારો માટે ખુલ્લા મુકવામાં આવશે, જેથી ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને ખાનગી ક્લાસના ખર્ચમાંથી રાહત મળી શકે.
પોલીસ ભરતી બોર્ડની કામગીરીની પ્રશંસા
રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને PSI સુધીની ભરતી પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2026-27 દરમિયાન વધુ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નિરજા ગોટરુએ જણાવ્યું કે માર્ચ 2024માં બોર્ડની રચના બાદ આ પ્રથમ સફળ PSI બેચ છે. 472 જગ્યાઓ માટે 4.60 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી પારદર્શક પ્રક્રિયા બાદ 449 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે નવા ફોજદારી કાયદા તેમજ તાલીમ સંબંધિત પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ વિભાગની ઈ-મોડ્યુલ પહેલનો પણ પ્રારંભ કરાયો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



