ગિરનાર ખાતે જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ઉત્સવ પહેલાં પોલીસ હાઈ એલર્ટ: 500થી વધુ જવાનો, ડ્રોન અને CCTVથી રહેશે કડક નજર


ગિરનાર ખાતે જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ઉત્સવ પહેલાં પોલીસ હાઈ એલર્ટ: 500થી વધુ જવાનો, ડ્રોન અને CCTVથી રહેશે કડક નજર


જૂનાગઢ: ગિરનાર ખાતે યોજાનારા જૈન સમાજના નિર્વાણ લાડુ ઉત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સમગ્ર યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ત્રણ દિવસ સુધી વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, જૈન સમાજ અને હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર એવા દત્તાત્રેય મંદિરને લઈને ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ગત વર્ષે મંદિર ખાતે થયેલી તોડફોડની ઘટનાને ધ્યાને રાખીને આ વર્ષે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક આયોજન કરવામાં આવ્યું છે.
500થી વધુ પોલીસકર્મીઓ રહેશે ફરજ પર
સુરક્ષા વ્યવસ્થા માટે 2 DYSP, 20 PI, 450થી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત LCB અને SOGની ચાર-ચાર ટીમો પણ સતત પેટ્રોલિંગ અને દેખરેખમાં રહેશે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં 20 ડ્રોન કેમેરા અને 100થી વધુ CCTV કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
દરેક યાત્રાળુનું થશે રજિસ્ટ્રેશન
પોલીસ તંત્ર દ્વારા તમામ યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી દરેક યાત્રાળુની ઓળખ સરળ બનશે તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરવામાં મદદ મળશે.
પોલીસની અપીલ
જૂનાગઢ જિલ્લા પોલીસના એસપી સુબોધ ઓડેદરાએ તમામ યાત્રાળુઓને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ દ્વારા તોડફોડ, છેડછાડ કે કાયદો-વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે યાત્રાળુઓને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપવા પણ અપીલ કરી છે.




