Get News Alerts

Never miss breaking news updates.

ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા, પાક નિષ્ફળ જવાની ભીતિ

Gir Somnath Farmers Rainfall Crop Loss: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ વાવેતર બાદ વરસાદ ન પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ગત સાતમા મહિનામાં તા. 4 અને...
R Gajjar
R GajjarUpdated on: 19 Aug 2026 05:06 PM IST
ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા, પાક નિષ્ફળ જવાની ભીતિગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા, પાક નિષ્ફળ જવાની ભીતિ

Gir Somnath Farmers Rainfall Crop Loss: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ વાવેતર બાદ વરસાદ ન પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

ગત સાતમા મહિનામાં તા. 4 અને 5ના રોજ થયેલા વરસાદ બાદ ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદીને મગફળી, મગ, મઠ, અળદ, ડુંગળી, શાકભાજી, મકાઈ, અજમો અને કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આશા જાગી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે.

મગફળી અને અજમાના પાકને સૌથી વધુ અસર
ખેડૂતોના જણાવ્યા મુજબ ગીરગઢડા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદના અભાવે મગફળી અને અજમાના પાકને મોટું નુકસાન થયું છે. કેટલાક ખેડૂતોના ખેતરોમાં મગફળી અને અજમાના બીજ યોગ્ય રીતે ઉગ્યા જ નથી. પાણીની અછતને કારણે પાકને જરૂરી સિંચાઈ પણ આપી શકાતી નથી. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર માટે બિયારણ, ખાતર સહિતના ખર્ચમાં મોટી રકમ ખર્ચાઈ છે. જો હવે વરસાદ નહીં પડે તો એક ખેડૂતને અંદાજે રૂ. 1થી 1.5 લાખ સુધીનું નુકસાન થવાની શક્યતા છે.

પાકની સાથે પશુઓના ચારા અંગે પણ ચિંતા
વરસાદ ખેંચાતા માત્ર ખેતી પાક જ નહીં પરંતુ પશુઓ માટેના ચારા અંગે પણ ખેડૂતોની ચિંતા વધી છે. મગ, અળદ, શાકભાજી સહિતના પાકોની સાથે પશુ નિરણનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. વરસાદના અભાવે શાકભાજીનો પાક બગડવાની સાથે પશુઓ માટેનો ચારો પણ સુકાઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ હજુ પણ ખેંચાશે તો આગામી દિવસોમાં પશુઓ માટે ચારો મેળવવો મુશ્કેલ બની શકે છે.

ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
ખેડૂત આગેવાનો દ્વારા સરકાર સમક્ષ ગીર સોમનાથ જિલ્લાની સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈને જરૂરી સહાય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સતત વરસાદની અછતને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા સર્વે કરાવીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને યોગ્ય વળતર તથા રાહત આપવામાં આવે. સાથે જ ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ ઉઠી રહી છે.

ખેડૂતોનું કહેવું: સરકાર તાત્કાલિક રાહત આપે
ખેડૂતોએ જણાવ્યું હતું કે અગાઉના દેવા અને ખર્ચ વચ્ચે નવા વાવેતર માટે ફરીથી મોટી રકમ ખર્ચવામાં આવી છે. હવે વરસાદ ન પડતા પાક નિષ્ફળ જાય તો ખેડૂતો માટે આર્થિક મુશ્કેલી વધુ ગંભીર બની શકે છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રને આપવામાં આવતા પ્રોત્સાહનની જેમ ખેડૂતોને પણ રાહત અને વળતર આપવામાં આવે, જેથી તેઓ આગામી સિઝનમાં ફરીથી ખેતી કરી શકે. હાલ ગીર સોમનાથના ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતોની નજર હવે આકાશ સામે છે. આગામી દિવસોમાં વરસાદ થાય તો પાકને બચાવી શકાય તેવી આશા છે, પરંતુ વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]