ગીરનો સાવજ: ગુજરાતનું ગૌરવ અને સંરક્ષણની ગૌરવગાથા


AI Generated Images
ગીરનો સાવજ: ગુજરાતનું ગૌરવ અને સંરક્ષણની ગૌરવગાથા


AI Generated Images
Gir Lion Conservation: ગુજરાતની ઓળખ, ગૌરવ અને ઘરેણા સમાન એશિયાટિક સિંહ આજે માત્ર ગીરના જંગલ પૂરતો સીમિત રહ્યો નથી. સિંહોની વધતી વસ્તી સાથે તેમનો વસવાટ વિસ્તાર પણ સતત વિસ્તરી રહ્યો છે. ગીરના જંગલથી લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને દરિયાકાંઠા સુધી સિંહોની અવરજવર જોવા મળી રહી છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરના સાવજની વિશેષતા, વધતી વસ્તી, વિસ્તરતો વસવાટ, સંરક્ષણના પ્રયાસો અને માનવ-સિંહ સહઅસ્તિત્વ અંગે ખાસ અહેવાલ.

ગીર એટલે સાવજનું ઐતિહાસિક ઘર
ગીરનું નામ પડતાં જ આંખો સામે ડાલામથ્થા સિંહની ભવ્ય આકૃતિ ઉપસી આવે છે. સ્થાનિક વિસ્તારોમાં સિંહને ‘જનાવર’ અને ‘સાવજ’ જેવા હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય માત્ર જંગલ નથી, પરંતુ એશિયાટિક સિંહના સંરક્ષણની એક ઐતિહાસિક ગાથા છે. વર્ષ 1965માં ગીર વિસ્તારને વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો હતો. ગીરનું કુલ સંરક્ષિત ક્ષેત્ર આશરે 1,412 ચોરસ કિલોમીટર છે, જેમાં 258 ચોરસ કિલોમીટરનો વિસ્તાર નેશનલ પાર્ક અને બાકીનો વિસ્તાર વન્યજીવ અભયારણ્ય તરીકે સંરક્ષિત છે. ગીરનું જંગલ મુખ્યત્વે સૂકું પાનખર પ્રકારનું છે. અહીં સાગ, ખાખરો, ધાવડો, ખેર, બોરડી અને બાવળ સહિતના વૃક્ષો જોવા મળે છે. હિરણ, શેત્રુંજી, દાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, ગોદાવરી અને રાવલ જેવી નદીઓ ગીરના વન્યજીવો માટે પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
એશિયાટિક સિંહની સંખ્યા સતત વધી
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે રાજ્યમાં એશિયાટિક સિંહોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2020માં સિંહોની સંખ્યા 674 હતી, જ્યારે વર્ષ 2026ની 16મી સિંહ ગણતરીમાં 891 સિંહ નોંધાયા છે. એટલે કે પાંચ વર્ષના ગાળામાં 217 સિંહનો વધારો થયો છે. જાન્યુઆરી 2026ના આંકડા મુજબ 891 સિંહોમાં 255 નર, 405 માદા અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે. સિંહોની વસ્તી હવે ગીરના કોર વિસ્તારમાં જ સીમિત રહી નથી. ગીર નેશનલ પાર્ક, અભયારણ્ય અને આસપાસના વિસ્તારમાં 394 સિંહ જ્યારે ગીરની બહારના 9 સેટેલાઇટ પોપ્યુલેશનમાં 507 સિંહ નોંધાયા છે.
60 ટકાથી વધુ સિંહો ગીરની બહાર
સિંહોની વધતી વસ્તી સાથે તેમનો વસવાટ વિસ્તાર પણ ઝડપથી વિસ્તર્યો છે. હાલ સિંહો આશરે 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 11 જિલ્લાઓમાં જોવા મળે છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ સુધી સિંહોની હાજરી નોંધાઈ છે. બરડા અભયારણ્ય, પાનિયા, મિતિયાળા અને ગિરનાર સહિતના વિસ્તારો પણ સિંહોના નવા રહેઠાણ તરીકે વિકસ્યા છે. આ સ્થિતિ દર્શાવે છે કે હવે 60 ટકાથી વધુ સિંહો સંરક્ષિત વિસ્તારની બહાર ખેતરો, ગામો, નદીના પટ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરે છે.
ગીરની બહાર વિસ્તરતો સાવજ: સફળતા પણ અને પડકાર પણ
સિંહોની વધતી સંખ્યા વન્યજીવ સંરક્ષણની સફળતાનું પ્રતીક છે, પરંતુ બીજી તરફ માનવ-સિંહ સંઘર્ષ અને કુદરતી રહેઠાણની અછત મોટો પડકાર બની રહ્યા છે. ગીરના કોર વિસ્તારની ક્ષમતા આશરે 250થી 300 સિંહોની હોવાનું જણાવાય છે. સિંહોની સંખ્યા વધતાં તેઓ હવે રેવન્યુ વિસ્તારો, ગામડાં, નદીના પટ, ખેતી વિસ્તારો અને દરિયાકાંઠા તરફ પણ આગળ વધી રહ્યા છે. આવા સંજોગોમાં સિંહોના સુરક્ષિત રહેઠાણ, વન્યજીવ કોરિડોર અને માનવ વસાહતો સાથેના સંતુલન પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બની રહ્યું છે.
એશિયાટિક અને આફ્રિકન સિંહમાં શું તફાવત?
વિશ્વમાં મુખ્યત્વે એશિયાટિક અને આફ્રિકન સિંહની ચર્ચા થાય છે. એશિયાટિક સિંહ કદમાં પ્રમાણમાં નાના અને હળવા હોય છે. નર સિંહની કેશવાળી પણ પ્રમાણમાં ટૂંકી અને આછી હોય છે, જેના કારણે કાન સ્પષ્ટ દેખાય છે. પેટ પર લટકતી ચામડીનો વિશિષ્ટ પટ્ટો એશિયાટિક સિંહની મહત્વની ઓળખ છે. બીજી તરફ આફ્રિકન સિંહ કદમાં મોટા અને વધુ વજનદાર હોય છે. નર સિંહની કેશવાળી વધુ ઘાટી અને લાંબી હોય છે અને તે ઘણીવાર કાનને ઢાંકી દે છે. આફ્રિકન સિંહના ટોળાં પણ સામાન્ય રીતે મોટા હોય છે.
એક સમયે સમગ્ર એશિયામાં સિંહોનું સામ્રાજ્ય
આજે મુક્તપણે વિચરતા એશિયાટિક સિંહો જોવા માટે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવવું પડે છે. પરંતુ ઇતિહાસમાં એક સમય એવો હતો જ્યારે એશિયાટિક સિંહોનો વિસ્તાર ગુજરાત પૂરતો સીમિત નહોતો. ઉત્તર આફ્રિકાથી લઈને પશ્ચિમ એશિયા અને ભારતના વિશાળ વિસ્તારોમાં સિંહો જોવા મળતા હતા. ભારતીય ઉપખંડમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ સિંહોની હાજરી નોંધાઈ હતી. ભારતીય સંસ્કૃતિમાં સિંહનું સ્થાન પણ વિશેષ રહ્યું છે. દેવી દુર્ગાનું વાહન સિંહ છે, જ્યારે અશોક સ્તંભના ચાર સિંહો આજે ભારતના રાષ્ટ્રીય પ્રતીકનો ભાગ છે. સિંહ ભારતીય સંસ્કૃતિમાં શૌર્ય, શક્તિ અને પરાક્રમનું પ્રતીક રહ્યો છે.
શિકારથી લુપ્તતાના આરે પહોંચ્યો સાવજ
19મી સદી એશિયાટિક સિંહો માટે મુશ્કેલીનો સમય હતો. રાજાઓ, નવાબો, મહારાજાઓ અને બ્રિટિશ અધિકારીઓ માટે સિંહનો શિકાર પ્રતિષ્ઠાનો વિષય બન્યો હતો. શિકાર ઉપરાંત ખેતી અને માનવ વસાહતોના વિસ્તરણને કારણે જંગલો ઘટ્યા અને સિંહોના કુદરતી રહેઠાણો સીમિત થતા ગયા. એક સમયે સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોની છેલ્લી આશા ગીરના જંગલો બની ગયા હતા. સમયસર સંરક્ષણના પ્રયાસો ન થયા હોત તો આજે એશિયાટિક સિંહ કદાચ માત્ર પુસ્તકોમાં જ જોવા મળતો હોત.
‘પ્રોજેક્ટ લાયન’થી આધુનિક સંરક્ષણ
સિંહોના સંરક્ષણ, રોગ નિયંત્રણ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે વર્ષ 2020માં કેન્દ્ર સરકારે ‘પ્રોજેક્ટ લાયન’ની જાહેરાત કરી હતી. પ્રોજેક્ટનો હેતુ સિંહોના કુદરતી નિવાસસ્થાનનું સંરક્ષણ, જીઓ-ફેન્સિંગ, ડ્રોન અને રેડિયો કોલરિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ તેમજ સિંહ પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. ગીરમાં ટ્રેકર્સ, વન રક્ષકો અને મહિલા વનકર્મીઓ સતત સિંહોની હિલચાલ પર નજર રાખે છે. બીમાર કે ઘાયલ સિંહોને રેસ્ક્યુ કરીને સારવાર માટે લઈ જવામાં આવે છે. ખુલ્લા કૂવામાં સિંહો પડી ન જાય તે માટે અનેક કૂવાઓની આસપાસ પેરાપેટ બનાવવામાં આવ્યા છે.
રોગચાળો પણ મોટો પડકાર
એશિયાટિક સિંહોની સમગ્ર વૈશ્વિક વસ્તી એક જ ભૌગોલિક વિસ્તારમાં હોવાથી કોઈ ગંભીર રોગચાળો સમગ્ર પ્રજાતિ માટે જોખમી બની શકે છે. વર્ષ 2018માં ગીરમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયોસિસના કારણે સિંહોના મોત થયા હતા. આ ઘટનાએ સિંહોના આરોગ્ય અને રોગ નિયંત્રણ માટે વધુ આધુનિક વ્યવસ્થાની જરૂરિયાત દર્શાવી હતી.
રેલવે, હાઇવે અને વીજવાડા સામે જોખમ
ગીરની બહાર વિસ્તરેલા સિંહો માટે માનવસર્જિત અકસ્માતો પણ મોટો પડકાર છે. રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહોના મોતના બનાવો સામે આવ્યા છે. આ ઉપરાંત હાઇવે ક્રોસ કરતી વખતે વાહનો સાથે અકસ્માતનું જોખમ રહે છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતો પાકને વન્ય પ્રાણીઓથી બચાવવા ગેરકાયદેસર વીજવાડા બનાવે છે. આવી વાડ સિંહો સહિત અન્ય વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ગીરથી પ્રવાસન અને રોજગારીને પણ વેગ
ગીર આજે માત્ર સિંહ સંરક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર પણ છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાવજના દર્શન માટે ગીરની મુલાકાત લે છે. જંગલ સફારીના કારણે સ્થાનિક સ્તરે ગાઈડ, જીપ્સી ડ્રાઈવર, હોટલ, રિસોર્ટ અને અન્ય ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રવાસીઓમાં વન્યજીવ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવામાં ઈકો-ટુરિઝમની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રવાસીઓના ધસારાને નિયંત્રિત કરવા દેવળિયા ઈન્ટરપ્રિટેશન ઝોન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
DCF પ્રશાંત તોમરની ખાસ અપીલ: સિંહથી અંતર જાળવો
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગ્રોથ નાઉ ન્યૂઝની ટીમે જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રશાંત તોમરે જણાવ્યું કે સિંહ એક રોયલ પ્રાણી છે અને તેની આસપાસ જવું કે તેની નજીક પહોંચવું યોગ્ય નથી. સિંહથી સુરક્ષિત અંતર જાળવવું ખૂબ જરૂરી છે. સિંહ જ્યારે ઉત્તેજિત હોય અથવા એકાંતની પળોમાં હોય ત્યારે તેની શાંતિમાં ખલેલ પહોંચાડવી તેને પસંદ નથી. માનવ અને સિંહ વચ્ચેનો સંબંધ વધુ સારો બનાવવો હોય તો માનવજાતે હિંસક પ્રાણીઓના સ્વભાવને સમજવો અને તેના અનુસાર વર્તવું જરૂરી છે.
સિંહ સાથે રહેતા માલધારીઓ જાણે છે સાવજનો મિજાજ
ગીર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી સિંહો સાથે જીવન જીવતા સ્થાનિક માલધારીઓ સિંહ અને સિંહણની હિલચાલ તથા તેમના મિજાજને સારી રીતે સમજે છે. સિંહ પણ અનેક વખત સ્થાનિક પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જાય છે. જોકે કોઈ પરિસ્થિતિમાં સિંહને છંછેડવામાં આવે, તેની પજવણી કરવામાં આવે અથવા તેને ખલેલ પહોંચાડવામાં આવે તો માનવ-સિંહ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સ્થાનિકો અને પ્રવાસીઓએ સિંહ સહિતના તમામ જંગલી પ્રાણીઓથી યોગ્ય અંતર જાળવવું જરૂરી છે.
‘સહિયારા પ્રયાસોથી જ સિંહનું સંરક્ષણ શક્ય’
નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે જણાવ્યું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જે સંવર્ધન અને સંરક્ષણના પ્રયાસોની સફળતા દર્શાવે છે. વન વિભાગ, રાજ્ય સરકાર, પર્યાવરણપ્રેમીઓ, પ્રાણીપ્રેમીઓ, સંસ્થાઓ અને સૌથી મહત્વપૂર્ણ સ્થાનિક લોકોના સહયોગથી આ સફળતા શક્ય બની છે. તેમણે કહ્યું કે સિંહ સંરક્ષણ માટે આ પ્રકારના સહિયારા પ્રયાસો સતત ચાલુ રહેશે તો જ સાચા અર્થમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સફળ ગણાશે. સાથે જ તેમણે સિંહ સંરક્ષણમાં સ્થાનિક લોકો તેમજ વન વિભાગના નાના કર્મચારીથી લઈને અધિકારીઓ સુધી સૌના યોગદાન બદલ આભાર વ્યક્ત કરી વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગ એલર્ટ
સિંહોના વિસ્તરતા વસવાટ વચ્ચે ગિરનારમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગે પણ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન બાદ સાસણ વન્યજીવ વિભાગની અનુભવી ટ્રેકર ટીમને ગિરનાર ખાતે તૈનાત કરવામાં આવી છે. આ ટીમ ગિરનારના સીડી માર્ગ પર સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરશે. ગિરનાર નવી સીડીના પ્રવેશદ્વાર પર એલઈડી ડિસ્પ્લે મારફતે યાત્રાળુઓને અભયારણ્યના નિયમો તથા Do's & Don'ts અંગે સતત માહિતી આપવામાં આવી રહી છે. વન વિભાગનું કહેવું છે કે વન્યજીવોના સંરક્ષણ સાથે ગિરનાર આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા પણ તેમની પ્રાથમિકતા છે.
સાવજનું સંરક્ષણ સૌની જવાબદારી
ગીરના સિંહોની યાત્રા લુપ્તતાના આરે પહોંચવાથી લઈને આજે 891 સુધી પહોંચવાની એક પ્રેરણાદાયક ગાથા છે. આ સફળતામાં સરકાર, વન વિભાગ, સ્થાનિક માલધારીઓ, ટ્રેકર્સ, વન કર્મચારીઓ, નિષ્ણાતો અને પ્રકૃતિપ્રેમીઓનું યોગદાન રહ્યું છે, પરંતુ સિંહોની વધતી વસ્તી સાથે હવે નવા પડકારો પણ ઊભા થયા છે. માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવો, સુરક્ષિત કોરિડોર જાળવવા, રોગચાળાથી રક્ષણ આપવું અને માનવસર્જિત અકસ્માતો અટકાવવું આગામી સમયની મોટી જવાબદારી છે. ગીર માત્ર ગુજરાતની ધરોહર નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે એશિયાટિક સિંહોના અસ્તિત્વનું એકમાત્ર કુદરતી કેન્દ્ર છે. સાવજની ડણક આવનારી પેઢીઓ પણ સાંભળી શકે તે માટે તેનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.




