ગાંધીનગરને ‘હરિયાળી લોકસભા’ બનાવવા 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરને ‘હરિયાળી લોકસભા’ બનાવવા 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સંસદીય મતવિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના ધ્યેય સાથે આજે ગાંધીનગર ઉત્તર અને કલોલ તાલુકામાં રૂ. 340 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પ્રખર રાષ્ટ્રભક્ત વીર સાવરકરની જન્મજયંતિ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં સોનીપુર તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગ્રામીણ નાગરિકોની સુખાકારી વધારતા વિવિધ પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા. દેશના ગૃહ અને સહકારિતા મંત્રીએ હજુ 10 દિવસ પહેલાં જ રૂ. 620 કરોડના કામોની મંજૂરી આપ્યા બાદ, તેમના તરફથી ગાંધીનગર જિલ્લાના નાગરિકોને આ સતત બીજી મોટી ભેટ મળી છે.
પર્યાવરણ સંરક્ષણ અને ભાવિ પેઢીને સ્વચ્છ હવા-પાણી આપવા માટે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ડિજિટલ અને સાંસ્કૃતિક સાક્ષરતાને ધ્યાનમાં રાખીને ટોયોટા કિર્લોસ્કર મોટર, જિલ્લા વહીવટી તંત્ર, CSR ફંડ તેમજ દાતાશ્રીઓના સહયોગથી ૨૦ ગામોમાં લાઈબ્રેરી સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ત્રણ ગામોમાં મહાન સાહિત્યકારો કવિ નર્મદ, આદ્યકવિ દલપતરામ અને ગોવર્ધનરામ ત્રિપાઠીના નામ પર અદ્યતન વાંચનાલયો શરૂ કરાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ માટે બજેટમાં રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 135 નવી તાલુકા લાઈબ્રેરીઓને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત, જલુન્દ ગામમાં નવા આરોગ્ય સબ-સેન્ટરના નિર્માણથી સ્થાનિક સ્તરે માતાઓ અને બહેનોને ઘરઆંગણે જ તબીબી સારવાર મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારનું લક્ષ્ય માત્ર ભૌતિક માળખું ઊભું કરવાનું નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં 'ઇઝ ઓફ લિવિંગ' વધારીને વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવાનું છે. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે સ્વાગત પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની રૂપરેખા અને આંકડાકીય વિગતો આપી સૌને આવકાર્યા હતા. આ અવસરે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ, સોનીપુર ગામના સરપંચ, અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



