છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર ₹11,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા



છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર ₹11,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા



છોટાઉદેપુર: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલે ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા સંરક્ષણ દિવાલ અને મજૂર કલ્યાણ કેન્દ્ર હોલના બિલ મંજૂર કરવા બદલ 5 ટકા લેખે રૂ.37 હજારની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝક થતાં રૂ.35 હજાર લેવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ સંરક્ષણ દિવાલના બિલ મંજૂર કરવા બદલ પ્રથમ હપ્તા તરીકે રૂ.11,500ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી રૂ.11,500ની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપી હર્ષવર્ધન પટેલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ટ્રેપ દરમિયાન લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી નર્મદા ACB પોલીસ સ્ટેશન, રાજપીપલાના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. વસાવાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ. પટેલના સુપરવિઝન અને નાયબ નિયામક બળદેવ દેસાઈ (IPS)ના માર્ગદર્શન હેઠળ ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. હાલ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



