બોપલની જલદીપ સોસાયટી જળબંબાકાર: કંટ્રોલ રૂમનો ફોન સતત વ્યસ્ત, AMCની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ


AI Generated Images
બોપલની જલદીપ સોસાયટી જળબંબાકાર: કંટ્રોલ રૂમનો ફોન સતત વ્યસ્ત, AMCની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ


AI Generated Images
Bopal Waterlogging Ahmedabad: અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. બોપલ આરોહી ક્લબ રોડ પર આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જાહેર કરાયેલ કંટ્રોલ રૂમ નંબર 6359980913 સતત બીઝી આવતો હોવાથી કોઈ જવાબ મળ્યો નથી.

સ્થાનિકોનું કહેવું છે કે પાણી ભરાવાના કારણે સોસાયટીના આંતરિક રસ્તાઓ પર અવરજવર મુશ્કેલ બની ગઈ છે. બાળકો, વૃદ્ધો અને દૈનિક કામે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી નજરે ન પડતા લોકોમાં કોર્પોરેશન સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં માત્ર મુલાકાત અથવા ફોટોગ્રાફી પૂરતી જ હાજરી આપે છે, જ્યારે વાસ્તવિક રાહત કામગીરી અને પાણીના નિકાલ માટે જરૂરી મશીનરી અથવા સ્ટાફ સ્થળ પર જોવા મળતો નથી. જેના કારણે લોકોમાં તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થયા છે. રહેવાસીઓએ માંગ કરી છે કે કોર્પોરેશન તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે પંપિંગ મશીન અને જરૂરી ટીમોને સ્થળ પર મોકલે તેમજ કંટ્રોલ રૂમને વધુ કાર્યક્ષમ બનાવી નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરે. હાલ સ્થાનિકો તંત્ર તરફથી તાત્કાલિક અને અસરકારક પગલાંની રાહ જોઈ રહ્યા છે.




