ભાવનગરમાં 'મોતનો સામાન' બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ: મહુવાના ગુંદરણામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટની આડમાં ચાલતું નકલી દારૂનું કૌભાંડ ઝડપાયું



ભાવનગરમાં 'મોતનો સામાન' બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ: મહુવાના ગુંદરણામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટની આડમાં ચાલતું નકલી દારૂનું કૌભાંડ ઝડપાયું



કેતન રાજપુરા, ભાવનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. મહુવાના ગુંદરણા ગામે એક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિનો પેરોલ ફર્લો સ્કવોર્ડે પર્દાફાશ કર્યો છે. ડુપ્લીકેટ દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન થતું હોવાની બાતમી રાહે દરોડા પાડતા પોલીસને સફળતા મળી હતી.

ડિહાઇડ્રેશન પ્લાન્ટની આડમાં ખતરનાક ખેલ
મહુવા તાલુકાના હરિપરા રોડ પર આવેલા ગુંદરણા ગામે એક પ્લાન્ટના પાછળના ભાગે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અહીં જુદી જુદી જાણીતી બ્રાન્ડની ખાલી બોટલોમાં નકલી દારૂ ભરીને તેને સીલ મારવામાં આવતું હતું. આ નકલી દારૂ બજારમાં અસલી તરીકે વેચવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું.
6 આરોપીઓની ધરપકડ, મુદ્દામાલ જપ્ત
પોલીસે આ દરોડા દરમિયાન સ્થળ પરથી 6 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે મોટી માત્રામાં તૈયાર નકલી દારૂ, ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકરો અને દારૂ બનાવવા માટેનો અન્ય કાચો માલ કબ્જે કર્યો છે. મોડી રાત્રે થયેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આરોગ્ય સાથે ગંભીર ચેડાં
બનાવટી દારૂ બનાવીને બુટલેગરો લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



