ભાવનગર રેલવે મંડળના સતર્ક લોકો પાયલોટોએ 10 એશિયાટિક સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા


AI Generated Images
ભાવનગર રેલવે મંડળના સતર્ક લોકો પાયલોટોએ 10 એશિયાટિક સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા


AI Generated Images
Asiatic Lions Saved from Train Accident: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ફરી એકવાર વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ધારી નજીક રેલવે ટ્રેક પર ઉભેલા 10 એશિયાટિક સિંહોના ઝુંડને લોકો પાયલોટોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે ટ્રેનની અડફેટે આવતા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, 3 ઓગસ્ટ, 2026ના રોજ ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચલાલા મીટર ગેજ સ્પેશિયલનું સંચાલન લોકો પાયલોટ શ્રી અનિશ એસ. અને સહાયક લોકો પાયલોટ શ્રી વિરેન્દ્રસિંહ પરમાર કરી રહ્યા હતા. ધારી નજીક કિલોમીટર નં. 53/5–53/4 વચ્ચે ટ્રેક પર સિંહ પરિવાર, જેમાં બચ્ચાં પણ સામેલ હતા, ઉભો હોવાનું તેઓએ નિહાળ્યું.
પરિસ્થિતિની ગંભીરતા સમજી બંને લોકો પાયલોટોએ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
વન વિભાગે તાત્કાલિક કામગીરી કરી
ટ્રેન રોક્યા બાદ લોકો પાયલોટે ગાર્ડને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા. ત્યારબાદ ટ્રેનને ગંતવ્ય તરફ સાવધાનીપૂર્વક રવાના કરવામાં આવી.
ત્રણ વર્ષમાં 331 એશિયાટિક સિંહોને બચાવાયા
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે પશ્ચિમ રેલવે દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- નાણાકીય વર્ષ 2024-25: 159 એશિયાટિક સિંહોને બચાવવામાં આવ્યા.
- નાણાકીય વર્ષ 2025-26: 129 સિંહોને સુરક્ષિત બચાવવામાં આવ્યા.
- વર્તમાન વર્ષ 2026-27 (એપ્રિલથી અત્યાર સુધી): 43 સિંહોને સંભવિત રેલ દુર્ઘટનામાંથી બચાવવામાં સફળતા મળી છે.
અધિકારીઓએ લોકો પાયલોટોને અભિનંદન પાઠવ્યા
ઘટનાની જાણ થતાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓએ લોકો પાયલોટોની સતર્કતા, સમયસર નિર્ણય લેવાની ક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. રેલવે અને વન વિભાગ વચ્ચેના ઉત્તમ સંકલનને કારણે ફરી એકવાર ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહોનું જીવન બચાવી શકાયું છે.




