આણંદના વાસદમાં હચમચાવતી ઘટના: 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ બાદ મોત, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા


આણંદના વાસદમાં હચમચાવતી ઘટના: 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ બાદ મોત, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા


Anand Vasad Girl Murder Case: આણંદ જિલ્લાના વાસદ નજીક માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી અનુસાર બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
રેલવે સ્ટેશન પાસે સૂતી બાળકીનું અપહરણ
મળતી માહિતી મુજબ વાસદ રેલવે સ્ટેશનની ટિકિટ બારી નજીક પરિવાર સાથે સૂઈ રહેલી સાડા ચાર વર્ષની બાળકીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. ઘટનાનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળતા ચકચાર
અપહરણ બાદ બાળકીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી, જ્યાં રાત્રિના સમયે ટ્રેન નીચે કચડાઈ જતાં તેનું મોત થયું હતું. ઘટનાસ્થળ નજીકથી બાળકીની લેંગી પણ મળી આવી છે, જેને પોલીસે મહત્વના પુરાવા તરીકે કબજે લીધી છે.
FSL સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર
ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ, રેલવે પોલીસ, એફએસએલ (FSL)ની ટીમ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર ઘટનાની અનેક દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
CCTVના આધારે આરોપીની શોધખોળ તેજ
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને તેની ધરપકડ માટે વિશેષ ટીમોને કામે લગાડી છે. સમગ્ર વિસ્તારમાં ચેકિંગ અને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને ઝડપવા માટે પ્રયાસો ચાલુ છે.
નોંધ: દુષ્કર્મ અંગેની માહિતી હાલમાં પ્રાથમિક આશંકા અને તપાસના આધારે સામે આવી છે. સત્તાવાર પુષ્ટિ ફોરેન્સિક તપાસ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.




