જાફરાબાદમાં બ્રહ્મ સમાજનો વિરોધ, સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહીની માંગ


જાફરાબાદમાં બ્રહ્મ સમાજનો વિરોધ, સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહીની માંગ


અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સોશિયલ મીડિયામાં બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે બ્રહ્મ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત અરજી આપી હતી.

બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં સમાજની લાગણી દુભાય તેવા અભદ્ર અને અપમાનજનક મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. આવા કૃત્યથી સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મામલે બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ અને આગેવાન જયેશભાઈ ઠાકર સહિત સમાજના અનેક સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસને લેખિત રજૂઆત કરીને વાયરલ મેસેજ કરનાર વ્યક્તિને શોધી તેના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સમાજના આગેવાનોએ જણાવ્યું કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને કોઈપણ સમાજની લાગણી દુભાય તેવા સંદેશાઓ ફેલાવનારા સામે કડક પગલાં ભરવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. પોલીસે અરજી સ્વીકારી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વાયરલ થયેલા મેસેજની સત્યતા તેમજ તેને વાયરલ કરનાર વ્યક્તિની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે.




