અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત, 1,000થી વધુ પોલીસ અધિકારીઓ સાથે રિહર્સલ પૂર્ણ


અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત, 1,000થી વધુ પોલીસ અધિકારીઓ સાથે રિહર્સલ પૂર્ણ


અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની 16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસના વિવિધ યુનિટ દ્વારા સંયુક્ત રીતે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રથયાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF), BSF, SRP સહિત વિવિધ સુરક્ષા દળો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એરિયા ડોમિનેશન, ફ્લેગ માર્ચ, રૂટનું સ્થળ નિરીક્ષણ અને સ્થાનિક લોકો સાથે બેઠક જેવા કાર્યક્રમો યોજીને સુરક્ષાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. સવારે યોજાયેલી રિહર્સલ બાદ વિવિધ મુદ્દાઓનું મૂલ્યાંકન કરીને સુધારાઓ માટે ઉચ્ચ અધિકારીઓની બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અંદાજે 1,000 જેટલા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં PI, PSI, DySP, SP, DIG અને IG કક્ષાના અધિકારીઓનો સમાવેશ થયો હતો.
પોલીસે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિશેષ માર્ગદર્શન અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ આપી છે. સાથે જ રથ, ટ્રકો, અખાડાઓ, ભજન મંડળીઓ અને પોલીસ દળ વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર રથયાત્રા રૂટ પર CCTV કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને બોડી-વોર્ન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. ઉપરાંત ગજરાજ (હાથી)ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડેસિબલ મીટર દ્વારા અવાજનું મોનિટરિંગ કરવામાં આવશે.

હાથીઓની નજીક દારૂખાનું, સીસોટી અને ઊંચા અવાજના DJ પર પ્રતિબંધ અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને સમગ્ર રૂટ પર તૈનાત પોલીસ સ્ટાફ વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં યોજાનારી બીજી રિહર્સલ વધુ સુચારુ રીતે યોજાશે અને તેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.




