અમદાવાદમાં વરસાદ બાદ રાહત! 133 જળભરાવ સ્થળો ક્લિયર, 22 ઇંચ વરસાદ પછી AMC એક્શનમાં


અમદાવાદમાં વરસાદ બાદ રાહત! 133 જળભરાવ સ્થળો ક્લિયર, 22 ઇંચ વરસાદ પછી AMC એક્શનમાં


Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જોકે શહેર હવે ધીમે-ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં રાહત, સફાઈ અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
AMCના જણાવ્યા અનુસાર, શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. બોપલ વિસ્તારમાં અંદાજે 22 ઇંચ અને બાકરોલ-સરખેજ વિસ્તારમાં 16 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.
હાલ શહેરમાં માત્ર રાણીપથી ચાંદલોડિયા જતો એક અન્ડરપાસ બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે બાકીના મોટા ભાગના માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. સેન્ટોસા અને ઇસ્કોન ગ્રીન સહિતના જળભરાવગ્રસ્ત વિસ્તારોમાં હાઈ-કેપેસિટી વોટર પમ્પ દ્વારા પાણી કાઢવાની કામગીરી સતત ચાલુ છે. AMCની વિવિધ ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને નાગરિકોની ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ લાવી રહી છે. અત્યાર સુધીમાં 7,580 કર્મચારીઓએ 664 ટન કાદવ દૂર કર્યો છે, જ્યારે રસ્તાઓ પરથી 3,474 ટન કચરો સાફ કરવામાં આવ્યો છે.
જળભરાવના 148 સ્થળોમાંથી 133 સ્થળો પર પાણીનો નિકાલ પૂર્ણ થયો છે. ઉપરાંત 126 અસરગ્રસ્ત સોસાયટીઓમાંથી 107 સોસાયટીઓમાં પણ પાણી કાઢવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. વરસાદ બાદ આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ રોડના રી-સેટલમેન્ટ અને પોટહોલ રિપેરિંગ માટે અલગ-અલગ ટીમોને તૈનાત કરવામાં આવી છે. AMCનું કહેવું છે કે શહેરને ઝડપથી સંપૂર્ણ સામાન્ય સ્થિતિમાં લાવવા તમામ વિભાગો સંકલન સાથે સતત કામગીરી કરી રહ્યા છે.




