અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર, લારી-રેકડીથી દુકાનદારોને મળશે મોટી સહાય


AI Generated Images
અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર, લારી-રેકડીથી દુકાનદારોને મળશે મોટી સહાય


AI Generated Images
Ahmedabad Flood Relief Package 2026: જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. અસરગ્રસ્ત વેપાર-ધંધાને ફરી શરૂ કરવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે ‘રાજ્ય સહાય પેકેજ-2026’ જાહેર કરવામાં આવ્યું છે.
આ પેકેજ હેઠળ અસરગ્રસ્ત એકમોને તેમની કેટેગરી અને પાત્રતા અનુસાર ₹7,500થી લઈને ₹1 લાખ સુધીની રોકડ સહાય તેમજ કેટલીક કેટેગરીમાં ₹30 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય આપવામાં આવશે.
લારી-રેકડી ધારકોને ₹7,500ની સહાય
પૂરના કારણે અસરગ્રસ્ત લારી અને રેકડી ધારકોને એકમ દીઠ ₹7,500ની ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે.
- કેબિન ધારકોને ₹25 હજારથી ₹50 હજાર સુધી
- 40 ચોરસ ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન: ₹25,000
- 40 ચોરસ ફૂટથી મોટી કેબિન: ₹50,000
આ સહાય અસરગ્રસ્ત એકમોના પુનઃવસન અને વેપાર ફરી શરૂ કરવામાં મદદરૂપ બનશે.
પાકી દુકાન માટે ₹1 લાખ સુધીની રોકડ સહાય
પૂરથી અસરગ્રસ્ત પાકા બાંધકામવાળી સ્થાયી દુકાનોને ₹1 લાખની ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. આ કેટેગરી માટે છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરેલું હોવું જરૂરી રહેશે.
દુકાનદારોને ₹30 લાખ સુધીની લોન પર વ્યાજ સહાય
સરકારે પાકી દુકાનો માટે ટર્નઓવરના આધારે વ્યાજ સહાયની પણ જોગવાઈ કરી છે.

સરકારના પેકેજ મુજબ પાકી દુકાન માટે ₹1 લાખની રોકડ સહાય અથવા ટર્મ લોન પર વ્યાજ સહાય—બંનેમાંથી માત્ર એક જ વિકલ્પનો લાભ લઈ શકાશે.
અરજી ક્યાં કરવાની રહેશે?
લારી-રેકડી, કેબિન અને અન્ય રોકડ સહાય માટે પાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અસરગ્રસ્તોની પાત્રતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રત્યક્ષ સર્વે તથા ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી જેવા પુરાવાના આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે વ્યાજ સહાય મેળવવા માટે અરજદારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ ખાતે બેંકમાંથી લોન મેળવ્યાના પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
અરજી કરવાની સમયમર્યાદા
ઉચ્ચક રોકડ સહાય માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026 રાખવામાં આવી છે. જ્યારે વ્યાજ સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા ઠરાવની તારીખથી 6 મહિના સુધી રહેશે.
APMCની સહાય મેળવી હશે તો આ પેકેજનો લાભ નહીં મળે
સરકારના ઠરાવ મુજબ જે અસરગ્રસ્ત એકમોએ APMCની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે, તેઓ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે પાત્ર રહેશે નહીં.
વિવાદ માટે અપીલની પણ વ્યવસ્થા
રોકડ સહાય અંગે કોઈ વિવાદ, તકરાર અથવા પુનઃસર્વેની જરૂરિયાત ઊભી થાય તો સંબંધિત એકમ અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી શકશે. આ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અપીલ સમિતિ કાર્યરત રહેશે.
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી થશે ખર્ચ
આ સમગ્ર સહાય પેકેજનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF)માંથી કરવામાં આવશે. જરૂરી ગ્રાન્ટ અમદાવાદ જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જુલાઈના પૂરમાં નુકસાન ભોગવનારા અમદાવાદ જિલ્લાના નાના વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન ધારકો અને દુકાનદારોને પોતાનો ધંધો ફરી શરૂ કરવામાં આર્થિક મદદ મળશે.




