કુદરતી આપત્તિ સામે સાવચેતી: અમદાવાદ જિલ્લામાં સંભવિત વાવાઝોડા અને વરસાદની ચેતવણી વચ્ચે ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શિકા


AI Generated Images
કુદરતી આપત્તિ સામે સાવચેતી: અમદાવાદ જિલ્લામાં સંભવિત વાવાઝોડા અને વરસાદની ચેતવણી વચ્ચે ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શિકા


AI Generated Images
Ahmedabad Farmers Rain Advisory: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ ખેડૂતોએ તેમના ઊભા પાક, મૂલ્યવાન પશુઓ અને ખેતસાધનોની તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી છે. આ માટે ખેડૂતોએ કેટલીક આગોતરી તૈયારીઓ અને તકેદારીઓ રાખવી જોઈએ. આ આપત્તિજનક પરિસ્થિતિમાં ખેડૂતોએ વર્તમાન પાકમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું તુરંત જ મુલતવી રાખવું અત્યંત જરૂરી છે.
ખેતરમાં ભરાતા વધારાના પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે નીક અને ડ્રેનેજ ખુલ્લી કરી, યોગ્ય નિકાલની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જો શાકભાજી કે બાગાયતી પાક તૈયાર થઈ ગયા હોય, તો તેને વહેલી તકે ઉતારીને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા જોઈએ. ખેતરમાં પડેલા પાક કે ઘાસચારાને તાડપત્રીથી ઢાંકી દેવો અને ટ્રેક્ટર, ખેત ઓજારો તથા મોંઘી મશીનરી ઊંચાણવાળા સલામત સ્થળે રાખવી જોઈએ.
હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર પાકમાં ધરૂરોપણીની કામગીરી ચાલુ છે. ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી વાવેતરમાં નુકસાન ન થાય તે માટે આ કામગીરી વરસાદ બંધ થયે કરવી જોઈએ. તેમજ ધરુંવાડિયામાં નુકસાન ન થાય તે માટે તાત્કાલિક પાણીનો નિકાલ કરવા તમામ પગલાં ભરવા સૂચવવામાં આવ્યું છે.
વધુમાં, સતત ભેજને કારણે ફૂગજન્ય રોગોનું પ્રમાણ પણ વધવાની શક્યતા હોઈ, પાણીનો નિકાલ કર્યા બાદ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ મેન્કોઝેબ 75% WP @ 25 ગ્રામ / 10 લિટર પાણી (2.5 ગ્રામ/લિટર) અથવા કોપર ઓક્સિક્લોરાઇડ 50% WP @ 30 ગ્રામ / 10 લિટર પાણી (3 ગ્રામ/લિટર) વગેરે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે મૂળમાં ઓક્સિજનનો અભાવ સર્જાવાથી છોડ પીળા પડવા કે સૂકાઈ જવાની સંભાવના હોઈ, સમયસર જરૂરિયાત મુજબ ખાતર આપવું જરૂરી છે.
પશુધનની પૂરતી સુરક્ષા માટે ઢોર-ઢાંખરને નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાના કિનારે કે કાચા શેડમાં બાંધવાનું ટાળવું જોઈએ. પશુઓને મોટા વૃક્ષો, વીજળીના થાંભલા, જર્જરિત દીવાલો કે હોર્ડિંગ્સ નીચે રાખવા જોખમી સાબિત થઈ શકે છે. પૂર કે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો પશુઓના દોરડા છોડી દેવા જેથી તેઓ સુરક્ષિત ઊંચાણવાળી જગ્યાએ જાતે જઈ શકે અને તેમના માટે અગાઉથી ચારા-પાણીની વ્યવસ્થા કરી રાખવી.
આ સિવાય, આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સાવચેતી તરીકે ભારે પવન કે વીજળીના કડાકા વખતે ખેતરમાં ખુલ્લામાં કે વૃક્ષો નીચે ઊભા રહેવાનું સદંતર ટાળવું જોઈએ. જરૂર ન હોય તો બિનજરૂરી પ્રવાસ ટાળવા અને જે ખેડૂતો કે ખેતમજૂરો ખેતરમાં નિવાસ કરતા હોય તેમણે તાત્કાલિક ધોરણે ગામમાં ઊંચાણવાળા સ્થળે સ્થળાંતર કરવા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.
કોઈ પણ તાકીદની કે કટોકટીની પરિસ્થિતિમાં ખેડૂતોએ સ્થાનિક તંત્ર જેવા કે સરપંચ, તલાટી કે ગ્રામસેવકશ્રીનો તાત્કાલિક સંપર્ક સાધવો જોઈએ. ખાસ કરીને, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય હોવાનું જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવ્યું છે.




