સ્વતંત્રતા દિનની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન, 38 વર્ષીય બુધાભાઈએ ચાર દર્દીઓને આપ્યું નવજીવન


AI Generated Images
સ્વતંત્રતા દિનની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન, 38 વર્ષીય બુધાભાઈએ ચાર દર્દીઓને આપ્યું નવજીવન


AI Generated Images
Ahmedabad Civil Hospital Organ Donation: સ્વતંત્રતા પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું 251મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા 38 વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે અંગદાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણયથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.

માર્ગ અકસ્માત બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા
મળતી માહિતી મુજબ, બુધાભાઈ પરમારને 10 ઓગસ્ટ, 2026ના રોજ માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થતાં 14 ઓગસ્ટના રોજ તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પરિવારના સંવેદનશીલ નિર્ણયથી ચાર લોકોને નવજીવન
જીવનસાથી ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ બુધાભાઈના પત્ની ભાવનાબેન અને પરિવારજનોએ અસીમ હિંમત દાખવી હતી. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યા બાદ પરિવારે અંગદાન માટે લેખિત સંમતિ આપી હતી. પરિવારના આ નિર્ણયથી બુધાભાઈના અંગો અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બન્યા છે.
હૃદય, લીવર અને બે કિડનીનું પ્રત્યારોપણ
અંગદાનમાં પ્રાપ્ત થયેલું હૃદય સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાનમાં મળેલું એક લીવર અને બે કિડની IKDRC ખાતે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યા છે. આ રીતે બુધાભાઈના અંગદાનથી કુલ ચાર દર્દીઓને નવજીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 251 અંગદાતાઓ
સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પર્વના દિવસે બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 251 અંગદાતાઓ થકી 1,079 અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. આ દાનમાં 464 કિડની, 225 લીવર, 79 હૃદય, 34 ફેફસાં, 21 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાનાં આંતરડાં સહિત કુલ 831 અંગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 200 ચક્ષુ અને 48 ચામડી સહિત કુલ 248 પેશીઓ પણ પ્રાપ્ત થઈ છે.
અંગદાનથી મૃત્યુ પછી પણ જીવન આપવાની તક
બુધાભાઈ પરમારના પરિવારનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. પોતાના સ્વજનને ગુમાવવાના દુઃખ વચ્ચે અંગદાનની સંમતિ આપીને પરિવારે ચાર જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે. અંગદાન માત્ર એક દાન નથી, પરંતુ મૃત્યુ બાદ પણ અનેક જિંદગીઓને જીવવાની તક આપતું માનવતાનું મહાન કાર્ય છે.




