ગુજરાતની મોટી સિદ્ધિ: 16,086 મેગાવોટ ક્ષમતા સાથે પવન ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું


ગુજરાતની મોટી સિદ્ધિ: 16,086 મેગાવોટ ક્ષમતા સાથે પવન ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું


ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં પોતાની અગ્રણી ઓળખ વધુ મજબૂત બનાવી છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
30 જૂન, 2026ના આંકડા મુજબ ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં પવન ઊર્જાથી 33,706 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે, જે દેશના કુલ પવન ઊર્જા ઉત્પાદનના લગભગ એક તૃતીયાંશ જેટલું છે.
દેશમાં પવન ઊર્જાના વિકાસને નવી દિશા આપવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં પવન ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા 57,443 મેગાવોટ સુધી પહોંચી છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વાર્ષિક વીજ ઉત્પાદન વધીને 106 અબજ યુનિટ થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ, રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ અને પ્રગતિશીલ નીતિઓના અમલીકરણને કારણે ગુજરાત નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં સતત નવા મુકામ હાંસલ કરી રહ્યું છે.
ગુજરાતે પવન, સોલાર અને રૂફટોપ સોલાર ઊર્જાના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં પવન ઊર્જાને વીજળીના ગ્રીડ સાથે સફળતાપૂર્વક જોડવામાં આવી છે. સાથે જ, ભારતની પ્રથમ પવન ઊર્જા નીતિ લાગુ કરનાર રાજ્ય તરીકે ગુજરાતે આ ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.




