Gandhinagar: વિદ્યાર્થીઓ માટે સહાયનો ધોધ, 105 કરોડની સહાય-ગ્રાન્ટનું વિતરણ



Gandhinagar: વિદ્યાર્થીઓ માટે સહાયનો ધોધ, 105 કરોડની સહાય-ગ્રાન્ટનું વિતરણ



Gandhinagar: ગાંધીનગરના નર્મદા હોલ ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ તેમજ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાભાર્થી વિદ્યાર્થીઓને પ્રતીકાત્મક રીતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રિવાબા જાડેજા, ત્રિકમ છાંગા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ 7,260 વિદ્યાર્થીઓને રૂ.96 કરોડની સહાય
MYSY યોજના હેઠળ 6,174 વિદ્યાર્થીઓને રૂ.56 કરોડની સહાય.
SHODH યોજના હેઠળ 842 વિદ્યાર્થીઓને રૂ.34 કરોડની સહાય.
CMSS યોજના હેઠળ 153 વિદ્યાર્થીઓને રૂ.4 કરોડની સહાય.
MKKN યોજના હેઠળ 91 કન્યાઓને રૂ.2 કરોડની સહાય.
SSIP 2.0 હેઠળ 48 સંસ્થાઓને રૂ.9 કરોડની ગ્રાન્ટ.
વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને મળીને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ કુલ રૂ.105 કરોડની સહાય-ગ્રાન્ટનું વિતરણ.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી પણ મોટી સહાય:
રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 10 અને 12 બોર્ડમાં ઉત્તીર્ણ 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.513 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. બીજી તરફ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ 57 હજારથી વધુ વિદ્યાર્થીઓને રૂ.28 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
બંને યોજનાઓ હેઠળ મળીને રૂ.541 કરોડથી વધુની સહાય DBT મારફતે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ પ્રસંગે બંને યોજનાઓના કુલ 10 લાભાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતીકાત્મક રીતે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાયબર સિક્યુરિટી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ:
કાર્યક્રમ દરમિયાન CAWACH કેન્દ્ર દ્વારા આયોજિત સાયબર સિક્યુરિટી અવેરનેસ રીલ્સ સ્પર્ધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં 1,685 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાયબર સિક્યુરિટી સંબંધિત પાંચ અલગ-અલગ થીમમાં પ્રથમ ક્રમે આવનાર પાંચ વિદ્યાર્થીઓને રૂ.15 હજાર લેખે પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહયોગ પૂરો પાડવાના હેતુથી આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય મળતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.





