ગુજરાતમાં 226 કરોડના ક્રિપ્ટો-ટેરર ફંડિંગ કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા



ગુજરાતમાં 226 કરોડના ક્રિપ્ટો-ટેરર ફંડિંગ કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા



અમદાવાદ: ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 226 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન અને આતંકી ફંડિંગ સાથે સંકળાયેલા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ક્રિપ્ટોકરન્સી મારફતે આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાંકીય મદદ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેર અને ડાર્ક વેબ આધારિત ગેરકાયદે નાણાકીય વ્યવહારો અંગેની તપાસ દરમિયાન ટેક્નિકલ વિશ્લેષણ અને ગુપ્તચર માહિતીના આધારે આ બંને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ભાવનગરના હાદીરાજા સરાણી (ઉ.વ. 23) અને મોહમંદ જમીન અબ્બાસઅલી જીગર (ઉ.વ. 36) તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સબ્બીર અલી સરાણીના KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને બિનાન્સ (Binance) પર ક્રિપ્ટો વૉલેટ બનાવ્યું હતું.
પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓએ 5,000 USDT (ટેથર) સ્વીકાર્યા હતા, જેને તપાસ એજન્સીઓએ "ડર્ટી ક્રિપ્ટો" તરીકે વર્ણવ્યા છે. આ રકમ અનેક સ્તરોની ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા બાદ એવા વૉલેટમાંથી આવી હોવાનું જણાવાયું છે, જે કથિત રીતે પ્રતિબંધિત નેટવર્ક્સ સાથે જોડાયેલા હતા.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બ્લોકચેઇન એનાલિસિસ દરમિયાન એક આંતરરાષ્ટ્રીય નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેનો ઉપયોગ ડાર્ક વેબ પરના નશીલા પદાર્થોના ગેરકાયદે વેપારથી મળેલી રકમને ધોળી કરવા તેમજ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા વ્યવહારો માટે કરવામાં આવતો હોવાની શંકા છે.
આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ સંગઠિત ગુનો, ગુનાહિત કાવતરું, સાયબર છેતરપિંડી અને ઓળખ સંબંધિત ગુનાઓનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.




