ગ્રેટર નોઇડાના ગોલ્ડન આઈ મોલમાં ભીષણ આગ! 9મા માળે ઓફિસમાં લાગી આગ



ગ્રેટર નોઇડાના ગોલ્ડન આઈ મોલમાં ભીષણ આગ! 9મા માળે ઓફિસમાં લાગી આગ



ગ્રેટર નોઇડા: ગ્રેટર નોઇડા વેસ્ટ સ્થિત ગોલ્ડન આઈ મોલની કોમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુવારે અચાનક ભીષણ આગ લાગતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ટાવર-3ના નવમા માળે આવેલી એક ઓફિસમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઊંચી ઈમારતમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ જોઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલી હતી. ફાયર કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી બિલ્ડિંગમાં હાજર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધર્યા હતા.
પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ નવમા માળે આવેલી ઓફિસમાં લાગી હતી અને ઝડપથી ફેલાઈ રહી હતી. જોકે, ફાયર ટીમ સમયસર પહોંચી જતા મોટો અકસ્માત ટળી ગયો હતો.
સૌથી રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ફાયર વિભાગે સંકલિત કામગીરી કરીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
ઘટના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. હવે આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ બિલ્ડિંગમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સુરક્ષા વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.




