ગિરનાર પર રાત્રે 3 નર સિંહોની સુરક્ષિત અવરજવર, વન વિભાગની સતર્કતાથી ટળ્યો માનવ-વન્યજીવ સંઘર્ષ


ગિરનાર પર રાત્રે 3 નર સિંહોની સુરક્ષિત અવરજવર, વન વિભાગની સતર્કતાથી ટળ્યો માનવ-વન્યજીવ સંઘર્ષ


જૂનાગઢના ગિરનાર ખાતે રાત્રિના સમયે ત્રણ નર સિંહોની અવરજવર જોવા મળતા વન વિભાગ દ્વારા સમગ્ર રાત દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સિંહોએ પહેલા જૂના પગથિયાં અને ત્યારબાદ નવા પગથિયાં સુરક્ષિત રીતે પાર કરી અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.
વન વિભાગના જણાવ્યા મુજબ, સિંહોની હાજરીની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગનો સ્ટાફ અને સાસણની ટ્રેકર ટીમ તાત્કાલિક સક્રિય થઈ હતી. ટીમે સમગ્ર રાત દરમિયાન સિંહોની હિલચાલ પર સતત નજર રાખી હતી. સાથે જ પેટ્રોલિંગ વધારી જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
વન વિભાગની સમયસરની કામગીરી અને સતત દેખરેખના કારણે ત્રણેય સિંહોની અવરજવર દરમિયાન કોઈપણ પ્રકારનો માનવ-વન્યજીવ સંઘર્ષ સર્જાયો નહોતો. સાથે જ ગિરનાર દર્શને આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા પણ જળવાઈ રહી હતી.
ગિરનાર વિસ્તારમાં સિંહોની અવરજવર વધી શકે તેવા સંજોગોને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ચોમાસા અને યાત્રા દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
વન વિભાગે ગિરનાર આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને રાત્રિના સમયે શક્ય હોય ત્યાં સુધી જૂથમાં અવરજવર કરવા અપીલ કરી છે. નાના બાળકોને એકલા ન છોડવા તેમજ વન વિભાગના કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવા પણ જણાવાયું છે.
જો કોઈ વન્યજીવ જોવા મળે તો ગભરાટ કે શોરબકોર કર્યા વગર શાંતિ જાળવી સુરક્ષિત અંતર રાખવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, લોકોનો સહકાર વન્યજીવો અને માનવીઓ બંનેની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.




