ઇંગ્લેન્ડે પનામાને 2-0થી હરાવી ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું, રાઉન્ડ ઓફ 32માં પ્રવેશ



ઇંગ્લેન્ડે પનામાને 2-0થી હરાવી ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું, રાઉન્ડ ઓફ 32માં પ્રવેશ



ફીફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ એલની મહત્વપૂર્ણ મેચમાં ઇંગ્લેન્ડે પનામા સામે 2-0થી શાનદાર જીત નોંધાવી છે. ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ઇંગ્લેન્ડે ગ્રુપમાં ટોચનું સ્થાન હાંસલ કરીને રાઉન્ડ ઓફ 32માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. બીજી તરફ પનામાની ટીમ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન એકપણ પોઇન્ટ મેળવી શકી નહોતી.
મેચની શરૂઆતથી જ ઇંગ્લેન્ડે આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ હાફમાં પનામાના મજબૂત સંરક્ષણને કારણે ગોલ કરવામાં સફળતા મળી નહોતી. ઘાના સામેની મેચ ડ્રો રહ્યા બાદ ઇંગ્લેન્ડના મુખ્ય કોચ થોમસ ટુખેલે શરૂઆતની ટીમમાં પાંચ ફેરફાર કર્યા હતા. બુકાયો સાકા, માર્કસ રેશફોર્ડ અને મોર્ગન રોજર્સને આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત શરૂઆતની ઇલેવનમાં સ્થાન મળ્યું હતું.
પ્રથમ હાફમાં માર્કસ રેશફોર્ડે અનેક તક ઊભી કરી હતી. શરૂઆતમાં તેમનો શક્તિશાળી શોટ પનામાના ગોલકીપર ઓર્લાન્ડો મોસ્કેરાએ શાનદાર રીતે બચાવ્યો હતો. ત્યારબાદ એલિયટ એન્ડરસનના ક્રોસ પર રેશફોર્ડનો હેડર ગોલપોસ્ટની ઉપરથી પસાર થયો હતો, જેના કારણે પ્રથમ હાફ ગોલવિહોણો રહ્યો.
બીજા હાફમાં ઇંગ્લેન્ડે દબાણ વધુ વધાર્યું અને તેની અસર 62મી મિનિટે જોવા મળી. બુકાયો સાકાના કોર્નર પર જુડ બેલિંગહમે શાનદાર વોલી ફટકારી ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. ટૂર્નામેન્ટમાં બેલિંગહમનો આ બીજો ગોલ હતો.
આગળ વધેલા આત્મવિશ્વાસ સાથે ઇંગ્લેન્ડે માત્ર પાંચ મિનિટ બાદ વધુ એક ગોલ નોંધાવ્યો. કેપ્ટન હેરી કેને શાનદાર હેડર દ્વારા સ્કોર 2-0 કર્યો અને ટીમની જીત લગભગ નિશ્ચિત કરી દીધી.
અંતિમ તબક્કામાં પનામાએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોશ લુઇસ રોડ્રિગેઝનો શક્તિશાળી શોટ ગોલકીપર જોર્ડન પિકફોર્ડે બચાવ્યો હતો, જ્યારે જોશ ફજાર્ડોનો ગોલ ઓફસાઇડ હોવાને કારણે અમાન્ય જાહેર થયો હતો. અંતે ઇંગ્લેન્ડે 2-0ની જીત સાથે ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને આગામી રાઉન્ડ માટે આત્મવિશ્વાસભેર આગળ વધ્યું.




