દ્વારકા SOGની મોટી કાર્યવાહી: રૂ.1.07 કરોડના વન્યજીવ અંગો સાથે 3 શખ્સ ઝડપાયા



દ્વારકા SOGની મોટી કાર્યવાહી: રૂ.1.07 કરોડના વન્યજીવ અંગો સાથે 3 શખ્સ ઝડપાયા



દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG પોલીસે વન્યજીવ સંરક્ષણ કાયદાના ઉલ્લંઘન સામે મોટી કાર્યવાહી કરતા રૂ.1.07 કરોડથી વધુ કિંમતના પ્રતિબંધિત વન્યજીવ અંગો સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ), કસ્તુરી અને સિંહના નખનો ગેરકાયદે વેપાર કરતા આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે જામ ખંભાળિયા-જામનગર હાઇવે પર મઢુલી હોટલ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં અમરેલી જિલ્લાના રાકેશભાઈ સાંખટ અને લાખાભાઈ ડોડિયા ગ્રાહકની શોધમાં ફરતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન તેમની પાસેથી 1 કિલો 65 ગ્રામ વજનનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા આ પદાર્થની અંદાજિત કિંમત રૂ.1.06 કરોડ આંકવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસે અન્ય એક કાર્યવાહી દરમિયાન ધ્રોલના ફિરોઝભાઈ મકવાણાને ખંભાળિયા સરકારી હોસ્પિટલ વિસ્તાર પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પ્રતિબંધિત કસ્તુરી, જેની અંદાજિત કિંમત રૂ.1 લાખ છે, તેમજ સિંહના બે અસલ નખ, જેની કિંમત આશરે રૂ.20 હજાર છે, મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપી આ વસ્તુઓ વેચવાના ઇરાદે ફરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો કે આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા. જેના આધારે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે 'મરીન નેશનલ પાર્ક, જામ ખંભાળિયા'ના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




