Get News Alerts

Never miss breaking news updates.

દરરોજ 2 કલાક જનતાની ફરિયાદ સાંભળશે ગુજરાત પોલીસ: DGP મલિકનો કડક આદેશ

નવી વ્યવસ્થા મુજબ રાજ્યના તમામ પોલીસ કમિશનર, DCP, ACP, રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા (SP) કક્ષાના અધિકારીઓ દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે. જો કોઈ અધિકારી અનિવાર્ય કારણસર હાજર ન હોય તો વરિષ્ઠ અધિકારી અથવા રીડર દ્વારા અરજીઓ સ્વીકારી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 Jun 2026 03:40 PM IST
દરરોજ 2 કલાક જનતાની ફરિયાદ સાંભળશે ગુજરાત પોલીસ: DGP મલિકનો કડક આદેશદરરોજ 2 કલાક જનતાની ફરિયાદ સાંભળશે ગુજરાત પોલીસ: DGP મલિકનો કડક આદેશ

અમદાવાદ: રાજ્યમાં નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે ગુજરાતના પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે મહત્વપૂર્ણ વહીવટી આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI સુધીના અધિકારીઓએ દરરોજ ફરજિયાત બે કલાક જનતાની ફરિયાદો સાંભળવી પડશે.

નવી વ્યવસ્થા મુજબ રાજ્યના તમામ પોલીસ કમિશનર, DCP, ACP, રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા (SP) કક્ષાના અધિકારીઓ દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે. જો કોઈ અધિકારી અનિવાર્ય કારણસર હાજર ન હોય તો વરિષ્ઠ અધિકારી અથવા રીડર દ્વારા અરજીઓ સ્વીકારી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ સ્ટેશન સ્તરે પણ PI અને થાણા અમલદારો માટે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ ફરજિયાત રીતે હાજર રહી નાગરિકોની ફરિયાદો સાંભળી જરૂરી કાર્યવાહી શરૂ કરવાની રહેશે.

DGPના આદેશ અનુસાર હવે વિવિધ પ્રકારની અરજીઓના નિકાલ માટે પણ કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આર્થિક ગુનાઓ, વૈવાહિક વિવાદો, તબીબી બેદરકારી અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ 6 અઠવાડિયામાં કરવો પડશે, જ્યારે સામાન્ય અરજીઓનો નિકાલ 15 દિવસની અંદર ફરજિયાત રીતે કરવો રહેશે.

વહીવટી પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે દરેક પોલીસ કચેરીમાં વિશેષ રજિસ્ટર રાખવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં અરજદારોની વિગતો નોંધવામાં આવશે. તપાસ દરમિયાન કોઈ સંજ્ઞેય ગુનો જણાય તો તાત્કાલિક FIR નોંધવાની પણ કડક સૂચના આપવામાં આવી છે.

DGP જી.એસ. મલિકે તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક અરજીની તપાસ સંપૂર્ણ તટસ્થતા અને ન્યાયસંગત રીતે કરવામાં આવે, જેથી સામાન્ય નાગરિકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી શકે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.