Get News Alerts

Never miss breaking news updates.

ભારતની આર્થિક પ્રગતિના ટ્રમ્પે કર્યા વખાણ, કહ્યું- 'ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે: ડોનાલ્ડ ટ્રમ્પ

ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ હવે વૈશ્વિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણાવી તેની પ્રશંસા કરી છે. સાથે જ તેમણે અમેરિકા માટે પણ વધુ ઝડપી આર્થિક વિકાસનું લક્ષ્ય નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 03 Jul 2026 02:01 PM IST
ભારતની આર્થિક પ્રગતિના ટ્રમ્પે કર્યા વખાણ, કહ્યું- 'ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે: ડોનાલ્ડ ટ્રમ્પભારતની આર્થિક પ્રગતિના ટ્રમ્પે કર્યા વખાણ, કહ્યું- 'ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતાં તેને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા માત્ર મોંઘવારી અને વ્યાજદરોની ચિંતામાં જ અટવાઈ ન રહે, પરંતુ વધુ ઝડપી આર્થિક વિકાસનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન ભારતના આર્થિક વિકાસના મોડેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં આશરે 7થી 8 ટકા વિકાસ દર સાથે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, જ્યારે અમેરિકા પોતાની ક્ષમતા હોવા છતાં વધુ ઊંચા વિકાસ દર સુધી પહોંચી શકતું નથી.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા માત્ર 4 ટકા જીડીપી વૃદ્ધિ સુધી મર્યાદિત ન રહે, પરંતુ 12થી 13 ટકા સુધીના આર્થિક વિકાસનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમના મતે, સારા આર્થિક આંકડા આવતા જ વ્યાજદર વધારવાની ચિંતા કરવાને બદલે વિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

તેમણે અમેરિકાની ફેડરલ રિઝર્વની નીતિઓની પણ ટીકા કરતાં કહ્યું કે ઊંચા વ્યાજદરો અર્થતંત્રની ગતિ ધીમી કરી શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, મજબૂત અર્થવ્યવસ્થા હંમેશા મોંઘવારીમાં વધારો કરે એવું જરૂરી નથી.

ટ્રમ્પે દાવો કર્યો કે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં રેકોર્ડ સંખ્યામાં ફેક્ટરીઓ શરૂ થઈ છે, રોજગારમાં વધારો થયો છે અને સામાન્ય નોકરી કરતા લોકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમણે એ પણ કહ્યું કે અમેરિકાનો શેરબજાર તેમના શાસન દરમિયાન અનેક વખત નવી ઊંચાઈએ પહોંચ્યો છે.

ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વેપાર, ટેક્નોલોજી, સેમીકન્ડક્ટર, સ્વચ્છ ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વધતા સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંને દેશો વચ્ચે રોકાણ અને સપ્લાય ચેઇન ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. દેશમાં વધતો સ્થાનિક વપરાશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારી રોકાણ અને વૈશ્વિક કંપનીઓના વધતા રોકાણને કારણે ભારતની આર્થિક વૃદ્ધિને સતત વેગ મળી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.