અમેરિકાના 250મા સ્થાપના દિવસની ઉજવણી માટે ટ્રમ્પે ‘America250’ વર્ષભરનું અભિયાન શરૂ કર્યું



અમેરિકાના 250મા સ્થાપના દિવસની ઉજવણી માટે ટ્રમ્પે ‘America250’ વર્ષભરનું અભિયાન શરૂ કર્યું



અમેરિકા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ‘America250’ નામના વર્ષભરના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરી છે. આ પહેલનો હેતુ સમગ્ર દેશમાં વિવિધ દેશભક્તિ કાર્યક્રમો યોજવા, ઐતિહાસિક વારસાનું જતન કરવા અને રાષ્ટ્રીય સ્મારકોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
અમેરિકાના આંતરિક બાબતોના સચિવ ડગ બર્ગમે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસની ઉજવણી માત્ર શરૂઆત છે અને હવે આગામી એક વર્ષ સુધી સમગ્ર દેશમાં વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિ કાર્યક્રમો યોજાશે. તેમણે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય અમેરિકાના 250મા જન્મદિવસને ભવ્ય રીતે ઉજવવાનું છે.
સરકારે વોશિંગ્ટન ડી.સી. સહિતના વિસ્તારોમાં સ્મારકો, મેમોરિયલ્સ અને જાહેર સ્થળોના સમારકામ માટે વિશેષ કામગીરી હાથ ધરી છે. ડગ બર્ગમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 48 સ્મારકોનું સમારકામ, વર્ષોથી બંધ રહેલા 22 ફુવારા ફરી શરૂ કરવામાં આવ્યા છે તેમજ 1,000થી વધુ સ્થળોએથી ગ્રાફિટી દૂર કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, લિંકન મેમોરિયલ રિફ્લેક્ટિંગ પૂલનું પુનઃસ્થાપન પણ આ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે. સમારકામ પહેલાં આ પૂલમાંથી દરરોજ અંદાજે 45 હજાર ગેલન પાણી લીક થતું હતું, જે હવે દૂર કરવામાં આવ્યું છે.
ડગ બર્ગમે વધુમાં જણાવ્યું કે માત્ર વોશિંગ્ટન પૂરતું નહીં, પરંતુ સમગ્ર અમેરિકાના રાષ્ટ્રીય ઉદ્યાનો અને જાહેર જમીનો પર પણ જાળવણી અને વિકાસના કાર્યોને ગતિ આપવામાં આવશે. ગ્રેટ અમેરિકન આઉટડોર્સ એક્ટ હેઠળ લાંબા સમયથી બાકી રહેલા જાળવણીના કામો પૂર્ણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે અમેરિકાના 250મા સ્થાપના વર્ષની ઉજવણી રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને દેશના આદર્શો અને એકતાને મજબૂત બનાવવાની તક છે. આ પ્રસંગે અમેરિકાના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને કેન્દ્રમાં રાખીને વર્ષભર વિવિધ કાર્યક્રમો યોજાશે.
અમેરિકા પોતાની સ્વતંત્રતાની ઘોષણાના 250 વર્ષ જુલાઈ 2026માં પૂર્ણ કરી રહ્યું છે. આ અવસરે ફેડરલ એજન્સીઓ, રાજ્ય સરકારો, મ્યુઝિયમ, ઐતિહાસિક સંસ્થાઓ અને વિવિધ નાગરિક સંગઠનો વર્ષભર સ્મૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે.




