ડાંગમાં મેઘ મલ્હાર પર્વનો શુભારંભ, ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કર્યું



ડાંગમાં મેઘ મલ્હાર પર્વનો શુભારંભ, ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કર્યું



ડાંગ: ગુજરાતના ડાંગ જિલ્લામાં મોન્સૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ, રાજ્યમંત્રી જયરામ ગામીત અને રાજ્યના ધ્વજવાહક વિજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચોમાસાની ઋતુમાં ડાંગની લીલીછમ પ્રકૃતિ, ધોધ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન ડાંગના કુદરતી સૌંદર્યને લોકો સમક્ષ ઉજાગર કરવાની સાથે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ડાંગના જંગલો, વાદળછાયું વાતાવરણ, હરિયાળી અને વરસાદી ધોધ પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે. મેઘ મલ્હાર પર્વના આયોજનથી સ્થાનિક પ્રવાસન ક્ષેત્રને વેગ મળવાની સાથે હોટેલ, હોમસ્ટે, સ્થાનિક વેપારીઓ, કારીગરો અને અન્ય નાના વ્યવસાયોને પણ લાભ થવાની આશા છે.
આ ફેસ્ટિવલ અંતર્ગત ડાંગની લોકસંસ્કૃતિ, પરંપરાગત કલા અને સ્થાનિક જીવનશૈલીને પણ પ્રવાસીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. કુદરતી સૌંદર્યની સાથે સ્થાનિક સંસ્કૃતિનો પરિચય કરાવતું આ આયોજન ડાંગને મોન્સૂન ડેસ્ટિનેશન તરીકે વધુ લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ચોમાસા દરમિયાન ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે મેઘ મલ્હાર પર્વ ખાસ આકર્ષણ બન્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે યોજાયેલ આ ફેસ્ટિવલથી ડાંગની કુદરતી ઓળખને વધુ વ્યાપક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.





