ડાંગ સાયબર પોલીસનો મોટો ખુલાસો, ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરનાર બે આરોપી જયપુરથી ઝડપાયા


ડાંગ સાયબર પોલીસનો મોટો ખુલાસો, ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરનાર બે આરોપી જયપુરથી ઝડપાયા


ડાંગ ડાંગ જિલ્લામાં ગત મહિનામાં ઓનલાઈન શોપિંગના નામે રૂ.63 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે ડાંગ સાયબર પોલીસે ટેક્નિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ સોશિયલ મીડિયા પર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આકર્ષક ઓફરો આપીને લોકોને ઓનલાઈન શોપિંગના નામે છેતરતા હતા.
પોલીસે તપાસના આધારે રાજસ્થાનના જયપુર ખાતે દરોડા પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ.85 હજારની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સાયબર ઠગાઈ માટે કરવામાં આવતો હોવાનું પોલીસનું કહેવું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડાંગના એક ફરિયાદી પાસેથી ઓનલાઈન શોપિંગના બહાને રૂ.63 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે.
ડાંગ સાયબર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર દેખાતી કોઈપણ ઓનલાઈન શોપિંગ ઓફર અથવા એકાઉન્ટ પર વિશ્વાસ કરતા પહેલા તેની ખરાઈ (વેરિફિકેશન) અવશ્ય કરી લેવી જોઈએ. અજાણ્યા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું ટાળવું તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.




