કોમનવેલ્થ ગેમ્સ 2026: લવપ્રીત અને સીમાના મેડલ પર PM મોદીએ આપી શુભેચ્છા


કોમનવેલ્થ ગેમ્સ 2026: લવપ્રીત અને સીમાના મેડલ પર PM મોદીએ આપી શુભેચ્છા


નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સ 2026ના આઠમા દિવસે ભારતે બે મેડલ જીત્યા છે. વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત સિંહે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે મહિલા ડિસ્કસ થ્રોમાં સીમા કાલીરમને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. બંને ખેલાડીઓના શાનદાર પ્રદર્શન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સીમા કાલીરમનને શુભેચ્છા આપતા લખ્યું કે, મહિલા ડિસ્કસ થ્રોમાં 58.65 મીટરના શાનદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સીમાને અભિનંદન. તેમના પ્રયાસોએ ભારતનું ગૌરવ વધાર્યું છે અને દેશના યુવાનોને પ્રેરણા આપી છે.
વડાપ્રધાને લવપ્રીત સિંહના પ્રદર્શનની પણ પ્રશંસા કરતા કહ્યું કે, પુરુષોના 110 કિલોથી વધુ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર લવપ્રીતનું પ્રદર્શન શાનદાર રહ્યું. સ્નેચ રાઉન્ડમાં તેમના શ્રેષ્ઠ પ્રયાસે કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. તેમનું સમર્પણ અને દૃઢ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે.
લવપ્રીત સિંહે સ્નેચ રાઉન્ડમાં પ્રથમ પ્રયાસમાં 168 કિલો વજન ઉઠાવ્યું હતું. ત્યારબાદ બીજા પ્રયાસમાં 172 કિલો અને ત્રીજા પ્રયાસમાં 176 કિલો વજન ઉઠાવી કોમનવેલ્થ ગેમ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. ક્લીન એન્ડ જર્કમાં પણ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 388 કિલો વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓ ગોલ્ડ મેડલથી માત્ર 1 કિલોના અંતરે રહી ગયા હતા.
બીજી તરફ, સીમા કાલીરમને મહિલા ડિસ્કસ થ્રોમાં 58.65 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાર વર્ષના બાળકની માતા અને પીએચડી સ્કોલર સીમાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં પ્રથમ મેડલ જીત્યો છે. ખાસ વાત એ છે કે આ સફળતા તેમણે પોતાના પતિ અને કોચના માર્ગદર્શન હેઠળ મેળવી છે.




