અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલે સાણંદ તાલુકાના આદર્શ પીંપણ શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આપી હાજરી



અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલે સાણંદ તાલુકાના આદર્શ પીંપણ શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આપી હાજરી



અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના પીંપણ ગામ સ્થિત આદર્શ પીંપણ પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શૈક્ષણિક જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કર્યું તેમજ તેમને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ એ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું મજબૂત પાયાનું સ્તંભ છે. રાજ્ય સરકારનો હેતુ દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વાલીઓને દીકરીઓના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં વર્ષ 2003થી શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન દ્વારા શાળા પ્રવેશ દરમાં નોંધપાત્ર વધારો થયો છે અને ડ્રોપઆઉટ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે રાજ્યભરમાં લાખો બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો અને શિક્ષણ પ્રત્યે સમાજની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.




