શામળાજી જતાં માર્ગમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાફલો રોકાવી ગ્રામજનો અને બાળકોને મળ્યા


શામળાજી જતાં માર્ગમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાફલો રોકાવી ગ્રામજનો અને બાળકોને મળ્યા


અરવલ્લી: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શામળાજી દર્શનાર્થે જઈ રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લુસડીયા ગામમાંથી પસાર થતાં તેમણે પ્રોટોકોલને બાજુ પર મૂકીને પોતાનો કાફલો રોકાવ્યો અને સામાન્ય નાગરિકની જેમ ગ્રામજનો તથા શાળાના બાળકો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી.
મુખ્યપ્રધાને રસ્તા પર ઉભેલા શાળાના વિદ્યાર્થીઓ સાથે નિકટતાથી વાર્તાલાપ કર્યો હતો અને તેમને અભ્યાસ તેમજ જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો સાથેની તેમની સરળ અને સહજ મુલાકાતે સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.
આ દરમિયાન માથે સુશોભિત કળશ ધારણ કરીને ગૌરીવ્રત કરતી નાની દીકરીઓએ મુખ્યપ્રધાનનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ગ્રામજનો અને બાળકોએ પણ ઉમંગભેર તેમનું અભિવાદન કર્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ સરળ, સહજ અને આત્મીય સ્વભાવથી લુસડીયા ગામમાં ખુશી અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. તેમની સામાન્ય નાગરિકની જેમ કરેલી મુલાકાતે ગ્રામજનો અને બાળકોના મન પર વિશેષ છાપ છોડી હતી.




