અરવલ્લીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી, ભિલોડામાં ભવ્ય રેલી યોજાઈ


અરવલ્લીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી, ભિલોડામાં ભવ્ય રેલી યોજાઈ


અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, શામળાજી અને ભિલોડા સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભિલોડામાં ભગવાન બિરસા મુંડા સર્કલથી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સુધી ભવ્ય રેલી યોજાઈ હતી. રેલીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહિલાઓ, પુરુષો અને યુવાનો પરંપરાગત વેશભૂષામાં રેલીમાં સામેલ થયા હતા.
રેલી દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની આગવી ઝલક જોવા મળી હતી. પરંપરાગત વેશભૂષા સાથે લોકો દ્વારા નૃત્ય અને સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગોથી રંગાયેલું જોવા મળ્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને વારસાના જતન સાથે તેમના હકો અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નવી પેઢીને પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રેલીમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે ભિલોડામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજના લોકોએ પોતાની આગવી ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરી એકતા અને સાંસ્કૃતિક વારસાના જતનનો સંદેશ આપ્યો હતો.




