ધનસુરા બાળકી રેપ-વિથ-મર્ડર કેસમાં કોર્ટનો મોટો હુકમ


ધનસુરા બાળકી રેપ-વિથ-મર્ડર કેસમાં કોર્ટનો મોટો હુકમ


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વર્ષ 2023માં બનેલા 5 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી જયંતિભાઈ અળખાભાઈ પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2023માં ધનસુરા તાલુકાના કેશરપુરા ગામમાં પાડોશમાં રહેતા આરોપીએ માત્ર પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીની કૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
બનાવ અંગે ધનસુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી આરોપી જયંતિભાઈ અળખાભાઈ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે.
કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ઉપરાંત રૂ. 70 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. સાથે જ ભોગ બનનાર બાળકીના પરિવારજનોને રૂ. 5 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં સરકારી પક્ષ તરફથી અરવલ્લી જિલ્લાના સરકારી વકીલ ડી.એસ. વકીલે કોર્ટ સમક્ષ રજૂઆતો કરી હતી. ચુકાદા બાદ બાળકીના પરિવારને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.




