આણંદમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ અચાનક ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી



આણંદમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ અચાનક ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી



આણંદ: આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ (ROB)નો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, અડાસ ગામને નેશનલ હાઈવે સાથે જોડતા આ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ રેલવેની ગતિ શક્તિ યુનિટ, વડોદરા દ્વારા લેવલ ક્રોસિંગ નંબર-250 પર કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા અંદાજે 15 મહિનાથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે.
નિર્માણ દરમિયાન પિલર પર મૂકવામાં આવેલા ભારે-ભરખમ ગર્ડર અચાનક તૂટી પડતાં સમગ્ર સ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. ઘટનાના સમયે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને તકનીકી ટીમો સ્થળ પર દોડી આવી હતી. હાલ બ્રિજનો ભાગ શા માટે ધરાશાયી થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે તકનીકી ખામી કે બાંધકામની પ્રક્રિયામાં કોઈ ખામી જવાબદાર હોવાની શક્યતાઓ પણ તપાસ હેઠળ છે.




