સવા કરોડ વૃક્ષો વાવીને અભિયાન પૂરું નથી થયું, હવે તેને ઉછેરવાનું છે': અમિત શાહ


સવા કરોડ વૃક્ષો વાવીને અભિયાન પૂરું નથી થયું, હવે તેને ઉછેરવાનું છે': અમિત શાહ


અમદાવાદ: ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન હેઠળ વૃક્ષારોપણ અભિયાનના પ્રભારીઓની સમીક્ષા બેઠક અમદાવાદના સરદાર સ્મારક ખાતે યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે કરી હતી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવનાર તમામ કાર્યકરો, સંસ્થાઓ અને નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે "સવા કરોડ વૃક્ષો વાવવાથી અભિયાન પૂરું નથી થયું, પરંતુ હવે સાચું કામ શરૂ થયું છે. આ વૃક્ષોને ઉછેરીને આગામી દાયકાઓ સુધી પર્યાવરણને લાભ મળે તે માટે સૌએ જવાબદારી નિભાવવી પડશે."
તેમણે કાર્યકરોને વૃક્ષોની સંભાળને માત્ર પક્ષના કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક કર્તવ્ય તરીકે નિભાવવા અપીલ કરી હતી. સાથે જ તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વૃક્ષો વાવવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, હવે તેને જીવંત રાખી મોટા વૃક્ષોમાં ફેરવવાની જવાબદારી સૌની છે. તેમણે અમિત શાહ પાસેથી પ્રેરણા લઈને આ અભિયાનને વધુ સફળ બનાવવા આહ્વાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનથી પ્રેરાઈ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.




