મુસાફરો સાથે ગેરવર્તન અને બેફામ ડ્રાઇવિંગ ભારે પડ્યું! AMCએ AMTS-BRTSના 13 ડ્રાઇવરોને તાત્કાલિક હાંકી કાઢ્યા


ફાઈલ ફોટો
મુસાફરો સાથે ગેરવર્તન અને બેફામ ડ્રાઇવિંગ ભારે પડ્યું! AMCએ AMTS-BRTSના 13 ડ્રાઇવરોને તાત્કાલિક હાંકી કાઢ્યા


ફાઈલ ફોટો
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ AMTS અને BRTS બસ સેવાઓમાં ફરજ બજાવતા 13 બસ ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કર્યા છે. અચાનક કરવામાં આવેલી તપાસ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ, જોખમી ડ્રાઇવિંગ અને મુસાફરો સાથે ગેરવર્તન જેવા ગંભીર મુદ્દા સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
AMCને છેલ્લા કેટલાક સમયથી મુસાફરો તરફથી અનેક ફરિયાદો મળી રહી હતી. ફરિયાદોમાં કેટલાક ડ્રાઇવરો દ્વારા મુસાફરો સાથે ઉદ્ધત વર્તન કરવું, નિર્ધારિત બસ સ્ટોપ પર બસ ન રોકવી, બેફામ રીતે બસ ચલાવવી તેમજ જેના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેટલાક ડ્રાઇવરો સામે દારૂના નશામાં બસ ચલાવવાના પણ આરોપો હતા.
બરતરફ કરાયેલા 13 ડ્રાઇવરોમાંથી 10 AMTS અને 3 BRTS સેવાના હોવાનું AMCએ જણાવ્યું છે.
AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર જૂન મહિનામાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ રૂટ પર અચાનક તપાસ કરીને ડ્રાઇવરો ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં, મુસાફરો સાથે યોગ્ય વર્તન કરે છે કે નહીં અને સલામત રીતે બસ ચલાવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
AMCએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અને જાહેર પરિવહનની ગુણવત્તા જાળવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર, બસ સ્ટોપ છોડનાર, મુસાફરો સાથે ગેરવર્તન કરનાર અથવા અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




