અંબિકા નદીમાં ઘોડાપૂર: ડાંગના ભારે વરસાદથી સુરત-નવસારી તંત્ર એલર્ટ


અંબિકા નદીમાં ઘોડાપૂર: ડાંગના ભારે વરસાદથી સુરત-નવસારી તંત્ર એલર્ટ


ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
અંબિકા તાલુકાના ઉમરા ખાતે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પણ ભારે વરસાદને કારણે પાણીથી છલકાઈ ઉઠ્યો છે. ડેમનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે, જોકે પાણીની આવક વધતા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી તકેદારી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
હાલ અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિને જોતા આગામી સમયમાં નવસારી જિલ્લામાં પણ તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નદીના પાણીના પ્રવાહ અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
વરસાદનું પ્રમાણ આગામી કલાકોમાં કેવું રહે છે તેના આધારે નદીના જળસ્તરમાં વધુ વધારો કે ઘટાડો થઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.




