અમદાવાદના શાહપુરમાં દારૂના ઠેકાણા પર PCBનો દરોડો, ₹1.56 લાખનો મુદ્દામાલ જપ્ત


અમદાવાદના શાહપુરમાં દારૂના ઠેકાણા પર PCBનો દરોડો, ₹1.56 લાખનો મુદ્દામાલ જપ્ત


અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા શાહપુર વિસ્તારમાં પ્રોહિબિશન કેસમાં દરોડો પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ખાલી બોટલો, બોટલના બુચ અને સ્ટીકર સહિત કુલ ₹1,56,410નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની વિગતો મુજબ, શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મઢવાળાની પોળ, હલીમની ખડકી પાસે ભગવતી દવાખાનાની સામે આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ 227 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,14,850 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વિદેશી દારૂની 127 બ્રાન્ડેડ ખાલી બોટલો, 100 બુચ અને 118 સ્ટીકર પણ મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી પાંચ મોબાઇલ ફોન, રોકડા ₹11,160, એક હેર ડ્રાયર, અલગ-અલગ ફ્લેવરના પાંચ નંગ તેમજ બે કેરબામાં ભરેલો કુલ 22 લીટર વિદેશી દારૂ પણ કબજે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹1,56,410 આંકી છે.
આ મામલે મંદિપ કનુભાઈ ભાવસાર, કૈલાશ જયંતીભાઈ બોડાણા, દેવ પ્રતિક કુમાર પટેલ અને દેવાંગ અમિતભાઈ જાનીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે વીક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો કનુભાઈ ચૌહાણને પોલીસે ફરાર આરોપી તરીકે દર્શાવ્યો છે. સમગ્ર મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




