અમદાવાદની શાળાઓને રવિવારે ક્લાસ લેવાની છૂટ, જાણો શું છે નિયમ

અમદાવાદમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં થયેલી રજાઓથી અભ્યાસમાં પડેલી ખોટ પૂરી કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને જરૂરિયાત મુજબ રવિવારે વધારાના ક્લાસ યોજવાની મંજૂરી આપી છે, જોકે આ નિર્ણય સ્વૈચ્છિક રહેશે.
Rahul Desai
Rahul Desai
અમદાવાદની શાળાઓને રવિવારે ક્લાસ લેવાની છૂટ, જાણો શું છે નિયમઅમદાવાદની શાળાઓને રવિવારે ક્લાસ લેવાની છૂટ, જાણો શું છે નિયમ

અમદાવાદ: તાજેતરના અઠવાડિયાઓમાં ભારે વરસાદને કારણે અનેક વખત શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શિક્ષણ બોર્ડ હેઠળની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને રવિવારે વધારાના વર્ગો યોજવાની મંજૂરી આપી છે.

આ અંગેનો પરિપત્ર અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ઝોનની શાળાના સંચાલકો તથા આચાર્યોને મોકલવામાં આવ્યો છે. વરસાદના કારણે શૈક્ષણિક કેલેન્ડરમાં વિક્ષેપ પડ્યો હોવાથી, જો જરૂરી જણાય તો શાળાઓ વધારાના વર્ગો યોજીને અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં પડેલી ખોટ ઘટાડવામાં મદદ કરી શકે છે.

શાળાઓને આ મહિને રવિવારે શાળા ચાલુ રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, પરંતુ રવિવારના ક્લાસ લેવાનો નિર્ણય ફરજિયાત નહીં પરંતુ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. જો શાળા રવિવારે ક્લાસ યોજવાનું નક્કી કરે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને અગાઉથી જાણ કરવી પડશે. તેમજ શિક્ષકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને રવિવારના સત્રોમાં રિવિઝન, શંકા-સમાધાન, પરીક્ષા અથવા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજી શકાશે.

પરિપત્રમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શાળાઓને રવિવારે ક્લાસ યોજવાનો નિર્ણય લેતા પહેલાં સ્થાનિક હવામાનની સ્થિતિ અને શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીને ધ્યાનમાં લેવા સૂચના આપવામાં આવી છે.