સોશિયલ મીડિયા પર 'સોનુ' બની સગીરાને ફસાવનાર ગ્વાલિયરના બીટ્ટુ ખાનની ધરપકડ


સોશિયલ મીડિયા પર 'સોનુ' બની સગીરાને ફસાવનાર ગ્વાલિયરના બીટ્ટુ ખાનની ધરપકડ


અમદાવાદ ગ્રામ્ય પોલીસના કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને સાયબર બ્લેકમેલિંગના ગંભીર કેસમાં મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી સગીરાને વિશ્વાસમાં લઈ ન્યુડ વીડિયો કોલ કરાવી ત્યારબાદ તેનો વીડિયો બનાવી બ્લેકમેલ કર્યાનો આરોપ છે.
સમગ્ર ઘટના શું છે?
પોલીસના જણાવ્યા અનુસાર કણભા વિસ્તારની એક સગીરા અભ્યાસ માટે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે હોસ્ટેલમાં રહેતી હતી. આ દરમિયાન એ-ચેટ એપ્લિકેશન પર 'સોનુ' નામની પ્રોફાઇલ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીએ પોતાને 23 વર્ષનો હિન્દુ અને અવિવાહિત યુવક હોવાનું જણાવી સગીરાનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂ થઈ હતી.
તપાસમાં સામે આવ્યું છે કે વિશ્વાસમાં લીધા બાદ આરોપીએ સગીરા પર ન્યુડ વીડિયો કોલ કરવા દબાણ કર્યું હતું. વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન રેકોર્ડિંગ કરીને આરોપીએ સગીરાને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
માતાને શંકા જતાં ભાંડો ફૂટ્યો
સગીરાના વર્તનમાં અચાનક બદલાવ જોવા મળતા માતાએ પૂછપરછ કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
'સોનુ' નહીં, ગ્વાલિયરનો બીટ્ટુ ખાન નીકળ્યો
તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 'સોનુ' નામથી ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ બીટ્ટુ ખાન છે. તે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે, પરિણીત છે અને એક દીકરીનો પિતા પણ છે.
અમદાવાદ ગ્રામ્ય એસપીના માર્ગદર્શન હેઠળ રચાયેલી વિશેષ ટીમે ગ્વાલિયર પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.
અન્ય યુવતીઓ પણ નિશાન પર હોવાની આશંકા
પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કરીને તેની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અન્ય ત્રણથી ચાર યુવતીઓ સાથે પણ સંપર્ક હોવાની માહિતી મળી છે. પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે આરોપીએ કેટલી યુવતીઓને આ જ રીતે ફસાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર કાવતરાનો હેતુ શું હતો.
પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ, આઈટી એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ યુવતીઓ અને તેમના વાલીઓને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતાં પહેલાં તેમની ઓળખની ખાતરી કરવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.




