અમદાવાદમાં રૂ.14.16 કરોડનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું, નાઇજિરિયન સહિત બે આરોપીની ધરપકડ



અમદાવાદમાં રૂ.14.16 કરોડનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું, નાઇજિરિયન સહિત બે આરોપીની ધરપકડ



અમદાવાદ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં નરોડા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રૂ.14.16 કરોડની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરી એક નાઇજિરિયન નાગરિક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ નરોડા પોલીસને મળેલી બાતમીના આધારે નાના ચિલોડા સ્થિત GETCO પાવર સ્ટેશન નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 7 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ.14.16 કરોડ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુંબઈના રહેવાસી 48 વર્ષીય મોહમ્મદ સાજિદનો સમાવેશ થાય છે, જ્યારે નાઇજિરિયન નાગરિકની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.
પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઇનમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે અને આરોપીઓ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે પોલીસ દ્વારા વધુ વિગતો દિવસ દરમિયાન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.




