અમદાવાદ LCBને મોટી સફળતા, આંતરરાજ્ય મોટરસાયકલ ચોરતી ગેંગનો પર્દાફાશ; 3 આરોપીની ધરપકડ



અમદાવાદ LCBને મોટી સફળતા, આંતરરાજ્ય મોટરસાયકલ ચોરતી ગેંગનો પર્દાફાશ; 3 આરોપીની ધરપકડ



Ahmedabad LCB News: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના નિર્દેશો તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-4 ટીમે આંતરરાજ્ય મોટરસાયકલ ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરીને 15 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરી છે. પોલીસ તપાસ મુજબ, આ કાર્યવાહી દરમિયાન કુલ 11 વાહન ચોરીના કેસો ઉકેલાયા છે.
મળતી માહિતી પ્રમાણે, 29 માર્ચ 2026ના રોજ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે એક કાયદાના સંઘર્ષમાં રહેલા કિશોરને પકડવામાં આવ્યો હતો. તેના પાસેથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી 7 મોટરસાયકલ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં આગળ તપાસ કરતા બે આરોપીઓ રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ અને લલિતકુમાર ભગવાનલાલ મીણાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન વધુ 8 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરાયેલા હોવાનું બહાર આવ્યું હતું.
શું હતી મોડસ ઓપરેન્ડી?
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ અમદાવાદમાં દૈનિક મજૂરીના બહાને આવતા અને વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલો ચોરી કરતા હતા. થોડા સમય ઉપયોગ કર્યા બાદ વાહનોને અલગ-અલગ સ્થળે છોડી દેતા હતા. પોલીસે જણાવ્યું છે કે, આ ગેંગના અન્ય સંભવિત સાથીઓ અને વધુ ચોરાયેલી મિલકત અંગે તપાસ ચાલુ છે.




