અમદાવાદમાં સ્વચ્છતા માટે શેરી નાટકોનો સહારો: AMCનું એક મહિના સુધી જનજાગૃતિ અભિયાન


અમદાવાદમાં સ્વચ્છતા માટે શેરી નાટકોનો સહારો: AMCનું એક મહિના સુધી જનજાગૃતિ અભિયાન


અમદાવાદઅમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે શેરી નાટકોના માધ્યમથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનથી શરૂ થયેલું આ અભિયાન આગામી એક મહિના સુધી શહેરના વિવિધ ઝોન અને વિસ્તારોમાં ચલાવવામાં આવશે.
ભીના-સૂકા સહિત 4 પ્રકારનો કચરો અલગ કરવાનો સંદેશ
શેરી નાટકો દ્વારા નાગરિકોને ઘરમાંથી નીકળતા કચરાનું સ્ત્રોત પર જ યોગ્ય રીતે વિભાજન કરવા અંગે સમજ આપવામાં આવશે. કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં નાખવાની પદ્ધતિ અંગે લોકોને સરળ રીતે માહિતી આપવામાં આવશે.
લીલો ડસ્ટબિન: ભીનો કચરો
વાદળી ડસ્ટબિન: સૂકો કચરો
લાલ ડસ્ટબિન: સેનિટરી વેસ્ટ
કાળો ડસ્ટબિન: ખાસ કાળજીવાળો (Special Care) કચરો
મિશ્ર કચરો આપવાને બદલે ચાર પ્રકારનો કચરો અલગ કરીને આપવાથી રિસાયક્લિંગ, કમ્પોસ્ટિંગ અને વૈજ્ઞાનિક રીતે કચરાના નિકાલમાં મદદ મળે છે. જેના કારણે શહેરની સ્વચ્છતા જાળવવાની સાથે પર્યાવરણ અને જાહેર આરોગ્યનું પણ રક્ષણ થઈ શકે છે.
વ્યસ્ત સ્થળોએ શેરી નાટકો યોજાયા
AMC દ્વારા સેન્ટ્રલ ઝોનમાં પ્રથમ તબક્કે શહેરના વ્યસ્ત જાહેર સ્થળોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં સવારે 8:30 વાગ્યે ભદ્ર મંદિર પાસે, સવારે 10 વાગ્યે ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે અને સાંજે 5 વાગ્યે ત્રણ દરવાજા બજાર ખાતે શેરી નાટકો યોજાયા હતા.
આ સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકોની અવરજવર રહેતી હોવાથી વધુમાં વધુ લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એક મહિના સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્ત્રોત સ્તરે કચરાના વિભાજન અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. હવે શેરી નાટકો જેવા લોકપ્રિય માધ્યમથી નાગરિકોની સીધી ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આગામી એક મહિના દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો યોજીને સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. AMC દ્વારા નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી બનીને ઘરેથી જ કચરો અલગ-અલગ કરીને આપવાની આદત અપનાવવા અપીલ કરવામાં આવી છે.




