અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, ઇન્ડિગો ફ્લાઇટમાંથી ₹4.26 કરોડનું સોનું ઝડપાયું



અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, ઇન્ડિગો ફ્લાઇટમાંથી ₹4.26 કરોડનું સોનું ઝડપાયું



અમદાવાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી સફળતા મેળવી છે. દુબઈથી અમદાવાદ આવેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ આશરે ₹4.26 કરોડ કિંમતનું સોનું જપ્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ, કસ્ટમ્સ અધિકારીઓએ ફ્લાઇટની તપાસ દરમિયાન 24 સોનાના બિસ્કિટ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન અંદાજે પોણા ત્રણ કિલો હોવાનું સામે આવ્યું છે.
ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સોનાની હેરાફેરીનો આ પ્રયાસ પકડી પાડવામાં આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ સોનાને જપ્ત કરીને તેની વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સોનું દુબઈથી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સોનાના માલિક અને સમગ્ર સ્મગલિંગ નેટવર્ક અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી સોના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની દાણચોરીના અનેક કેસો સામે આવી રહ્યા છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સતત સતર્કતા રાખવામાં આવતાં આવા ગેરકાયદેસર કારોબારો પર અસરકારક રીતે અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાલ સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




