Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ACBનો સફળ ટ્રેપ: ભદ્ર સિટી સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કને ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના પક્ષમાં કાર્યવાહી કરાવી આપવાના બહાને લાંચની માંગણી કરવામાં આવી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 03 Jul 2026 04:50 PM IST
અમદાવાદમાં ACBનો સફળ ટ્રેપ: ભદ્ર સિટી સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાઅમદાવાદમાં ACBનો સફળ ટ્રેપ: ભદ્ર સિટી સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અમદાવાદ અમદાવાદ ACBએ શુક્રવારે સફળ ટ્રેપ ગોઠવી ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના અપીલ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ક્લાર્ક અશોકભાઈ માધવલાલ પટેલને ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ACBને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદીના મકાન અને પડોશીના મકાન વચ્ચે આવેલી કોમન કમ્પાઉન્ડ દિવાલને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ફરિયાદીના પડોશીએ દિવાલ ન તોડાવવા માટે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. ત્યારબાદ કોર્ટ કમિશનની કાર્યવાહી દરમિયાન આરોપી અશોકભાઈ પટેલે ફરિયાદીના પક્ષમાં અનુકૂળ કાર્યવાહી કરાવી આપવાના બહાને ₹10 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અમદાવાદ ACBનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફરિયાદની ચકાસણી બાદ ACBએ ટ્રેપનું આયોજન કર્યું હતું.

પૂર્વ આયોજન મુજબ નારણપુરા ખાતે ધરતી સર્કલ નજીક મેલડી માતાના મંદિર સામે આરોપીએ ફરિયાદી પાસેથી ₹10 હજારની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે લેવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર કે. એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન મદદનીશ નિયામક એમ. એચ. પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ ACBની ટીમે સફળ ટ્રેપ પાર પાડ્યો હતો.

હાલ ACB દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.