2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદ



ફાઈલ ફોટો
2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદ



ફાઈલ ફોટો
અમદાવાદ: વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખતાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત રાખી છે. દોષિતોની તમામ અપીલો કોર્ટે ફગાવી દીધી છે.
હાઇકોર્ટે આ કેસમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. 5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 1 લાખનું વળતર 31 માર્ચ, 2027 સુધીમાં ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ન્યાયિક ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે દોષિતોએ પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલો દાખલ કરી હતી.
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરના 20 અલગ-અલગ સ્થળોએ 21 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ આતંકી હુમલામાં 56 નિર્દોષ લોકોનાં મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.
રસપ્રદ બાબત એ છે કે, ટ્રાયલ કોર્ટે વર્ષ 2022માં આરોપીઓને મંગળવારે સજા સંભળાવી હતી અને આજે હાઇકોર્ટે પણ મંગળવારે જ અંતિમ ચુકાદો જાહેર કર્યો છે.
ચુકાદાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોર્ટમાં પ્રવેશતા તમામ મુલાકાતીઓની બેગ સ્કેનિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. DCP હર્ષદ પટેલ, સોલા પોલીસ, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સહિત આશરે 120 પોલીસકર્મીઓ અને SRPનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ઉપરાંત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) દ્વારા કોર્ટ પરિસરની તપાસ પણ કરવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયાનું વીડિયોગ્રાફી દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.




