ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ માટે રવાના થયા PM મોદી, ભારત-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ રોડમેપનું કર્યું લોન્ચિંગ



ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ માટે રવાના થયા PM મોદી, ભારત-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ રોડમેપનું કર્યું લોન્ચિંગ



મેલબર્ન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના છ દિવસીય વિદેશ પ્રવાસના ઓસ્ટ્રેલિયા તબક્કાને પૂર્ણ કરીને હવે ન્યૂઝીલેન્ડ માટે પ્રસ્થાન કર્યું છે. તેઓ 10 અને 11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી વિશ્વવિખ્યાત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પહોંચ્યા હતા. અહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મળીને તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોલેબોરેશન રોડમેપનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે બંને દેશોના યુવા ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. ખેલાડીઓએ તેમની સાથે તસવીરો ખેંચાવી અને ઓટોગ્રાફ પણ મેળવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ પણ હાજર રહ્યા હતા અને તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર MCGની મુલાકાત અંગે લખ્યું કે રમતગમત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. બંને દેશોના યુવાનો વચ્ચે રમતગમત દ્વારા વધુ સહયોગ અને આપલે ભવિષ્યમાં મિત્રતાને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે યુવા ખેલાડીઓને ક્રિકેટ, કબડ્ડી અને ઓસ્ટ્રેલિયન રૂલ્સ ફૂટબોલ રમતા જોઈ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે રમતગમત લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની અનોખી શક્તિ ધરાવે છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે બંને દેશોએ રમતગમત ક્ષેત્રે સહકારને વધુ ગાઢ બનાવવા માટે સ્પોર્ટ્સ કોલેબોરેશન રોડમેપ લોન્ચ કર્યો છે. તેમણે ઉમેર્યું કે ભારત 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને ઓસ્ટ્રેલિયા 2032ના ઓલિમ્પિક્સનું આયોજન કરશે, જેના કારણે આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે રમતગમત ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત બનશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



