અમદાવાદ શહેરમાં વાહન તોડફોડની ઘટના: 6 આરોપીઓની ધરપકડ, વધુની શોધખોળ ચાલુ



અમદાવાદ શહેરમાં વાહન તોડફોડની ઘટના: 6 આરોપીઓની ધરપકડ, વધુની શોધખોળ ચાલુ



અમદાવાદ : અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાં રચના સ્કૂલ પાસે વાહનોમાં તોડફોડની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 20થી વધુ વ્યક્તિઓના ટોળાએ પાર્ક કરેલા 6થી વધુ વાહનોમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
બીજી તરફ, સૈજપુર વિસ્તારમાં આવેલી ગિરીવૃન્દ સોસાયટીમાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. અહીં પાર્ક કરાયેલા કાર, રિક્ષા અને ટેમ્પો સહિત કુલ 14 જેટલા વાહનોના કાચ બેઝબોલથી તોડી નાખવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મળતી વિગતો મુજબ, આ ઘટના પાછળ લગભગ એક મહિના પહેલાં થયેલા સામાન્ય ઝઘડાની અદાવત હોવાનું કહેવાય છે. દીપક યાદવ અને રીતીક ગુપ્તા સહિતના શખ્સોએ હુમલો કર્યાનો આરોપ મૂકાયો છે.
આરોપીઓએ ફરિયાદીને ધમકી આપતા કહ્યું હતું કે “જો સુશીલ મળશે તો જાનથી મારી નાખીશું”, તેમજ બિભત્સ ગાળો આપી હથિયારો હવામાં લહેરાવીને ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
27 તારીખે ફોન પર ફરી બોલાચાલી થયા બાદ 20થી વધુ લોકો સુશીલના ઘર પાસે પહોંચી વાહનોમાં તોડફોડ કરી હતી. તે સમયે સુશીલ ઘરે હાજર ન હોવાથી આસપાસ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં અંદાજે 50 હજાર રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




