વડોદરાના પાદરામાં વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પોનો અકસ્માત, એક વિદ્યાર્થીનું મોત



વડોદરાના પાદરામાં વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પોનો અકસ્માત, એક વિદ્યાર્થીનું મોત



Vadodara Accident: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વિદ્યાર્થીઓને લઈ જતો ટેમ્પો અકસ્માતનો ભોગ બનતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, સાધી-સાદળ રોડ પર વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલો ટેમ્પો અચાનક અકસ્માતગ્રસ્ત બન્યો હતો. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રસ્તા કિનારે આવેલા વીજ થાંભલા સાથે અથડાયું હતું.
અકસ્માતની અસર એટલી જોરદાર હતી કે, ટેમ્પોમાં સવાર વિદ્યાર્થીઓ નીચે ફંગોળાયા હતા. શાળા છૂટ્યા બાદ ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. ટેમ્પોમાં અંદાજે 15થી 17 વિદ્યાર્થીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને ગામલોકો તેમજ સરપંચે રાજ્ય પરિવહન (ST) વિભાગ સામે આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગામમાં નિયમિત એસટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને મજબૂરીમાં ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે.




