સુરતની જ્વેલરી ફેક્ટરીમાં 37.17 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, કર્મચારી જ નીકળ્યો આરોપી



સુરતની જ્વેલરી ફેક્ટરીમાં 37.17 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, કર્મચારી જ નીકળ્યો આરોપી



Surat Crime Branch: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મહિધરપુરા વિસ્તારમાં આવેલી સાંધા જ્વેલ્સ ફેક્ટરીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. ફેક્ટરીમાં કામ કરતો કારીગર જ સોનાના દાગીના અને હીરાની ચોરી કરીને ફરાર થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજીબ સાધ્ય ઉર્ફે બપનને વરાછા એલ.એચ. રોડ નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ પણ સાંધા જ્વેલ્સમાં વર્ષો સુધી નોકરી કરી ચૂક્યો હતો અને તાજેતરમાં ફરી નોકરી શરૂ કરીને માલિકનો વિશ્વાસ જીત્યો હતો.
પોલીસ તપાસ મુજબ, આરોપીએ 17 જૂનના રોજ તકનો લાભ લઈ ફેક્ટરીમાંથી સોનાના દાગીના અને હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસે આરોપી પાસેથી 110.09 ગ્રામ સોનાના દાગીના, 45.19 કેરેટના નેચરલ હીરા, 15.80 કેરેટના CVD હીરા તેમજ એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 37.17 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
નોંધનીય છે કે, આ મામલે મૂળ ફરિયાદ રૂ. 30.42 લાખની ચોરી અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો સોનાનો ધંધો શરૂ કરવા માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
ઝડપાયેલ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે.




